India Top Plastic Pollution Ranking: આધુનિકતા અને ટેકનોલોજીકલ પ્રગતિની વૈશ્વિક દોડમાં અંધ બની ચૂકેલી માનવજાત હવે ‘હાથના કર્યા હૈયે વાગે’ને ન્યાયે જાતજાતના દુષ્પરિણામો ભોગવી રહી છે. તદુપરાંત ખોરવાઈ ગયેલું ઋતુચક્ર, પ્રદૂષિત વાતાવરણ, છાશવારે ત્રાટકતા વાયરસ એના અમુક ઉદાહરણ છે. એવી જ એક સમસ્યા છે ગાર્બેજ એટલે કે કચરાની. બાયોડિગ્રેડેબલ હોય એવો કચરો તો થાળે પડી જાય, પરંતુ પ્લાસ્ટિક જેવા કચરાનું શું? એને કેમ નાથવો એની સમસ્યા દુનિયાભરના દેશોને અકળાવી રહી છે. એમાંય તાજા સમાચાર એવા આવ્યા છે કે પ્લાસ્ટિક કચરો પેદા કરવામાં આપણો ભારત દેશ પહેલા નંબરે છે!

આટલો બધો પ્લાસ્ટિક કચરો પેદા કરે છે દુનિયામાં
બ્રિટનની યુનિવર્સિટી ઓફ લીડ્સના સંશોધકોએ તાજેતરમાં આ દિશામાં સંશોધન કરીને જણાવ્યું છે કે વિશ્વમાં દર વર્ષે એટલો બધો પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે કે એનો ઢગલો કરીએ તો એ ન્યૂયોર્ક શહેરના પ્રસિદ્ધ 'એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ' જેટલો ઊંચો થઈ જાય. આ બિલ્ડિંગ 102 માળ ઊંચું છે, એટલે કલ્પના કરો કે કચરાનો કેવો પહાડ સર્જાય. અભ્યાસ માટે વિશ્વભરના 50 હજારથી વધુ શહેરોમાં સ્થાનિક રીતે ઉત્પાદિત કચરાની તપાસ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના 20,000 નાગરિકો 88 જેલોમાં બંધ; જાણો ભારતની સ્થિતિ
ભારત નંબર વન
વિશ્વમાં દર વર્ષે 5.7 કરોડ ટન પ્લાસ્ટિક પ્રદૂષણ ઉત્પન્ન થાય છે, જેમાં સૌથી વધુ ફાળો દક્ષિણ ગોળાર્ધના દેશો આપે છે. એમાંય ભારત નંબર વન છે. એક વર્ષમાં ભારત 1.02 કરોડ ટન પ્લાસ્ટિક કચરો પેદા કરે છે. આ આંકડો બીજા નંબરે રહેલા દેશ દ્વારા પેદા કરાતા પ્લાસ્ટિક કચરાના પ્રમાણ કરતાં બમણા કરતાં પણ વધારે છે. વિશ્વની 15 ટકા વસ્તી પાસેથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં દુનિયાભરની સરકારો નિષ્ફળ જાય છે. આ 15 ટકા વસ્તીમાં એકલા ભારતના જ 25.5 કરોડ લોકોનો સમાવેશ થાય છે.

ટોપ ફાઇવ પ્રદૂષક દેશો
સંશોધનમાં નીચે મુજબના દેશોને કપાળે સૌથી વધુ પ્લાસ્ટિક કચરો પેદા કરવાની ટીલી લગાડવામાં આવી છે.
1.ભારત
2.નાઈજીરિયા
3.ઈન્ડોનેશિયા
4.ચીન
5.પાકિસ્તાન
ચીન માટે આશ્વાસન
ચોથા સ્થાને રહ્યું હોવા છતાં ચીન માટે આશ્વાસન લઈ શકાય એવી ટિપ્પણી અહેવાલમાં કરવામાં આવી છે કે, ચીન એનો કચરો ઘટાડવામાં સારીએવી સફળતા હાંસલ કરી રહ્યું છે. પ્લાસ્ટિક પ્રદૂષણ પેદા કરતાં દેશોના લિસ્ટમાં છઠ્ઠા, સાતમા અને આઠમા ક્રમે બાંગ્લાદેશ, રશિયા અને બ્રાઝિલ છે.
આ પણ વાંચો: ચીન-પાકિસ્તાન નહીં ભારતના આ પડોશી દેશ સાથે સરહદ વિવાદના એંધાણ: ચલણી નોટ પર છપાયો નવો નક્શો
આ ક્રમે રહ્યાં અમેરિકા અને બ્રિટન
સંશોધકોએ રજૂ કરેલા અહેવાલમાં જણાવાયું છે કે વાર્ષિક 52,500 ટન પ્લાસ્ટિક કચરો પેદા કરતું અમેરિકા આ યાદીમાં 90 માં ક્રમે છે અને 5,100 ટન પ્લાસ્ટિક કચરો પેદા કરતું બ્રિટન 135 માં સ્થાન પર છે.
આ શહેરો પેદા કરે છે સૌથી વધુ પ્લાસ્ટિક કચરો
પ્લાસ્ટિક-પ્રદૂષક શહેરોની વાત કરીએ તો દુનિયામાં નંબર વન પર આવે છે નાઇજિરિયાનું સૌથી મોટું શહેર ‘લાગોસ’. એ પછી ભારતનું પાટનગર ‘દિલ્હી’, અંગોલાની રાજધાની ‘લુઆન્ડા’, પાકિસ્તાનનું ‘કરાંચી’ અને ઇજિપ્તના ‘કૈરો’ને સ્થાન મળ્યું છે.
સૌથી ખતરનાક છે પ્લાસ્ટિક કચરો
ફક્ત માનવજાત માટે જ નહીં, જીવજગત, કૃષિ અને જળ-જમીન માટે પણ પ્લાસ્ટિક કચરો સૌથી વધુ જોખમી છે, કેમ કે પ્લાસ્ટિકના નાનામાં નાના કણનો સંપૂર્ણ નિકાલ થતાં વર્ષો કે દાયકાઓ નહીં, સદીઓ લાગી જાય છે, અને ત્યાં સુધીમાં એ જેના જેના સંપર્કમાં આવે એ તમામ માધ્યમોને પ્રદૂષિત કરતું રહે છે.
પ્લાસ્ટિક કચરો પેદા કરતાં દેશોની યાદીમાં આપણો દેશ પહેલા નંબરે આવ્યો છે ત્યારે વાતેવાતે ભારતીય હોવા બાબતે ગર્વ લેતાં આપણે સૌ થોડી શરમ અનુભવીએ અને જ્યાં ને ત્યાં કચરો ફેલાવતા અટકીએ, એ દેશ અને દુનિયાના હિતમાં હશે.


