ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે 'ઘાતક' ડ્રોન

Heron MK-2 Drones: ભારતે પોતાની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભરતા ઇઝરાયલી હેરોન MK-II ડ્રોનની નવી ખરીદી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઑપરેશન સિંદૂર બાદ લાગુ કરાયેલા કટોકટીના નિયમો હેઠળ શરૂ કરાયેલી આ પહેલ માત્ર દેખરેખની ક્ષમતાઓને જ નહીં વધારે, પરંતુ ભારતમાં જ આ હાઈ-ટેક ડ્રોનના નિર્માણનો માર્ગ પણ ખોલી શકે છે.
ડ્રોનનું સ્થાનિક ઉત્પાદન: 'મેક ઇન ઇન્ડિયા' પર ભાર
સૂત્રોનું કહેવું છે કે આ અદ્યતન UAVs(Unmanned Aerial Vehicles)ના ભારતમાં જ સ્થાનિક ઉત્પાદન પર પણ ચર્ચા ચાલી રહી છે. જેનાથી ટેક્નોલોજીનું સંપૂર્ણ હસ્તાંતરણ થઈ શકે છે અને સંરક્ષણ ક્ષેત્રે 'મેક ઇન ઇન્ડિયા' પહેલને મજબૂત કરી શકાય છે. સેનાના ત્રણેય અંગો-થલસેના, વાયુસેના અને નૌસેનાએ આ ડ્રોન ખરીદવાનો નિર્ણય લીધો છે, જોકે નૌસેના દ્વારા ખરીદવામાં આવનાર ડ્રોનની ચોક્કસ સંખ્યા હજી જાહેર કરવામાં આવી નથી.
હેરોન MK-2: ક્ષમતા અને વિશેષતાઓ
ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ(IAI) દ્વારા વિકસિત આ હેરોન MK-2 એક મધ્યમ ઊંચાઈ અને લાંબી દૂરી સુધી ઉડાન ભરવામાં સક્ષમ માનવરહિત વ્હીકલ(UAV) છે. આ ડ્રોન 35,000 ફૂટની ઊંચાઈ પર ઉડાન ભરી શકે છે અને તેની મહત્તમ ઝડપ 150 નોટ છે, જે તેને સતત 45 કલાક સુધી હવામાં રહેવા માટે સક્ષમ બનાવે છે. તેમજ તે 1430 કિલોગ્રામ સુધીનું વજન વહન કરી શકે છે. આ ડ્રોન મુખ્યત્વે ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર લાંબી દૂરીની દેખરેખ માટે તૈનાત કરવામાં આવે છે, જ્યાં તે અત્યંત અસરકારક સાબિત થયા છે.
LAC તણાવ બાદ ખરીદીની શરૂઆત
ચીન સાથે પૂર્વી લદ્દાખમાં LAC પરના તણાવ બાદ ભારતે 2021માં હેરોન MK-2 ડ્રોન ખરીદવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં થલસેના અને વાયુસેના માટે બબ્બે ડ્રોનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરના વર્ષોમાં ખરીદી વધારવામાં આવી છે.
IAIના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ 'મેક ઇન ઇન્ડિયા' પ્રત્યે ખૂબ જ જાગૃત છે અને ભારતીય જરૂરિયાતો પૂરી કરવા માટે સ્થાનિક ભાગીદારો સાથે કામ કરી રહ્યા છે. મુખ્ય ધ્યાન હવે HAL(હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ) અને Elcom(એલકોમ) વચ્ચેની ભાગીદારી દ્વારા ભારતમાં MK-2નું ભારતીય સંસ્કરણ બનાવવાનું છે અને ભવિષ્યમાં અન્ય ડ્રોન પણ અહીં તૈયાર કરવાનો હેતુ છે.
આ ઉપરાંત, ભારતીય વાયુસેના અને સંરક્ષણ મંત્રાલય હાલમાં હાજર હેરોન કાફલાની દેખરેખ અને લડાયક ક્ષમતાઓને વધુ સારી બનાવવા માટે પ્રોજેક્ટ ચિતા(Project Cheetah) પર પણ કામ કરી રહ્યા છે.

