'પાણી અને લોહી સાથે ના વહી શકે', ભારતે વધુ એક ડેમના દરવાજા બંધ કરી પાકિસ્તાન જતું પાણી રોક્યું
India cuts off water flow to Pakistan From Chenab River: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી પાકિસ્તાન વિરૂદ્ધ સતત કાર્યવાહી થઈ રહી છે. ભારતે સિંધુ જળ સંધિ પર રોકના નિર્ણય હેઠળ પાકિસ્તાન જતી ચિનાબ નદીના પાણી રોકી દીધા છે. ગઈકાલે ચિનાબ નદી પર બનેલા બગલિહાર ડેમના દરવાજા બંધ કર્યા બાદ હવે સલાલ ડેમના દરવાજા પણ બંધ કરી દીધા છે. આ જળ પ્રવાહ બંધ થતાં જ પાકિસ્તાન વહેતી ચિનાબ નદીનું જળ સ્તર ઘટ્યું છે. ઘણા સ્થળોએ નદી સુકાઈ ગઈ છે. જો કે, રામબનમાં ચેનાબ નદીમાં બગલિહાર હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ ડેમમાંથી પાણીનો પ્રવાહ ચાલુ છે.
ભાજપ આઈટી સેલના અમિત માલવિયે વડાપ્રધાન મોદીના નિર્ણયને આવકરતાં X પર લખ્યું હતું કે, ભારતના હિત માટે રાજકારણમાં આકરા નિર્ણયો લેવા પડશે. વડાપ્રધાન મોદીએ પોતાની કાર્યવાહી મારફત તે બતાવી દીધું. આતંકવાદ વિરૂદ્ધ ભારત અડગ અને દ્રઢ નિશ્ચય ધરાવે છે. પાણી અને અમારા નાગરિકોના લોહી એકસાથે વહી શકશે નહીં.
ચિનાબ નદીનું જળ સ્તર ઘટ્યું
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં સ્થિત સલાલ ડેમના તમામ દરવાજા ભારતે બંધ કરી દીધા છે. જેથી રિયાસી જિલ્લામાં ચિનાબ નદીનું જળસ્તર ઘટ્યું છે. ચિનાબ નદી અનેક સ્થળે સુકાઈ ગઈ છે. હવે ભારત જેલમ નદી પર બનેલા કિશનગંગા ડેમ પર પણ આ પ્રકારની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચોઃ ભારત સાથે તણાવ ઘટાડવા પાકિસ્તાને મદદ માટે રશિયા સામે હાથ ફેલાવ્યો, જુઓ શું જવાબ મળ્યો
ભારતની આકરી કાર્યવાહી
પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારત પાકિસ્તાન વિરૂદ્ધ વિવિધ પગલાં લઈ રહ્યું છે. ભારતે સૌથી પહેલાં સિંધુ જળ સંધિ પર રોક મૂકી હતી. 1960માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપતિ અયૂબ ખાને આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતે પાકિસ્તાની નાગરિકોને પોતાના વતન પરત ફરવા આદેશ આપ્યો છે. પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીઓની સંખ્યામાં ઘટાડો, એરસ્પેસ બંધ કરવા જેવા અનેક નિર્ણયો લીધા છે.