India Slams Pakistan at UN: સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે આતંકવાદના આકા પાકિસ્તાનને વિશ્વ મંચ પર ખુલ્લું પાડ્યું છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા ભ્રમ અને જૂઠાણાંનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે, 'પાકિસ્તાનનો એકમાત્ર એજન્ડા ભારતને નુકસાન પહોંચાડવાનો છે, પરંતુ ભારતીય સેનાના પરાક્રમ સામે હવે તે લાચાર બન્યું છે.'
પાકિસ્તાની એરબેઝ થયા હતા તબાહ
યુએનમાં પી. હરીશે સુરક્ષા પરિષદમાં જણાવ્યું કે, 'પાકિસ્તાન ઓપરેશન સિંદૂર અંગે ખોટો અને સ્વાર્થી અહેવાલ રજૂ કરી રહ્યું છે. નવમી મે સુધી પાકિસ્તાન ભારત પર હુમલાની ધમકીઓ આપતું હતું. પરંતુ 10મી મેના રોજ ભારતીય કાર્યવાહીથી ગભરાઈને પાકિસ્તાની સેનાએ સીધો ભારતીય સેનાને યુદ્ધવિરામની વિનંતી કરી હતી. ભારતીય એક્શનમાં અનેક પાકિસ્તાની એરબેઝ, રનવે અને હેંગરો નાશ પામ્યા હતા, જેના પુરાવાઓ અત્યારે સાર્વજનિક છે.'
પાકિસ્તાની પ્રતિનિધિની ટિપ્પણીઓનો જડબાતોડ જવાબ આપતા પી. હરીશે કહ્યું કે, 'આતંકવાદને ક્યારેય સામાન્ય બાબત ગણી શકાય નહીં. પાકિસ્તાન જે રીતે આતંકવાદનો વ્યૂહનીતિ તરીકે ઉપયોગ કરે છે, તે લોકશાહી દેશો માટે સ્વીકાર્ય નથી. આંતરરાષ્ટ્રીય મંચોનો ઉપયોગ આતંકવાદને ન્યાયી ઠેરવવા માટે ન થઈ શકે.'
જમ્મુ-કાશ્મીર પર ભારતનું સ્પષ્ટ વલણ
પાકિસ્તાનને તેની મર્યાદા યાદ અપાવતા હરીશે ભારપૂર્વક કહ્યું કે, 'પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહ્યો છે, છે અને હંમેશા રહેશે.'
પાકિસ્તાનને આત્મનિરીક્ષણની સલાહ
ભારતે પાકિસ્તાનમાં 'કાયદાના શાસન'ની સ્થિતિ પર કટાક્ષ કરતા જણાવ્યું કે, 'જે દેશે તેના 27મા સુધારા દ્વારા સેનાને બંધારણીય બળવો કરવાની છૂટ આપી હોય અને સંરક્ષણ વડાને આજીવન મુક્તિ આપી હોય, તેણે ભારતને સલાહ આપવાની જરૂર નથી. પાકિસ્તાને પોતે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે તે કઈ દિશામાં જઈ રહ્યું છે.'


