India

'ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ, કતાર ભારત માટે ઊર્જાનો મહત્ત્વનો સપ્લાયર', કેન્દ્રનું મોટું નિવેદન

By GS TEAM
10 Apr 20264 mins read
TukuTouch Logo
વૈશ્વિક સ્તરે બદલાતા ભૌગોલિક-રાજકીય સમીકરણો વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષા અને પ્રાદેશિક શાંતિ માટે સક્રિય બન્યું છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકાર એક તરફ ખાડી દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરી રહી છે, તો બીજી તરફ પડોશી દેશોની જરૂરિયાતોને પણ પ્રાધાન્ય આપી રહી છે. તાજેતરમાં વિદેશ મંત્રાલય દ્વારા લેબેનોનની સ્થિતિ અને ઊર્જા ક્ષેત્રે લેવાયેલા મહત્ત્વના પગલાં અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ, કતાર ભારત માટે ઊર્જાનો મહત્ત્વનો સપ્લાયર', કેન્દ્રનું મોટું નિવેદન

MEA Randhir Jaiswal on West Asia: વૈશ્વિક સ્તરે બદલાતા ભૌગોલિક-રાજકીય સમીકરણો વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષા અને પ્રાદેશિક શાંતિ માટે સક્રિય બન્યું છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકાર એક તરફ ખાડી દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરી રહી છે, તો બીજી તરફ પડોશી દેશોની જરૂરિયાતોને પણ પ્રાધાન્ય આપી રહી છે. તાજેતરમાં વિદેશ મંત્રાલય દ્વારા લેબેનૉનની સ્થિતિ અને ઊર્જા ક્ષેત્રે લેવાયેલા મહત્ત્વના પગલાં અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

અમે ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ: MEA

દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું હતું કે, 'અમે મિડલ ઈસ્ટમાં થઈ રહેલા ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ. વડાપ્રધાનના નિર્દેશ પર આપણા મંત્રીઓ ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે ખાડી દેશોની મુલાકાત લઈ રહ્યા છે. વિદેશ મંત્રી હાલમાં મોરેશિયસની મુલાકાતે છે, જ્યાંથી તેઓ 11 અને 12 એપ્રિલ, 2026ના રોજ યુએઈ જશે. તેઓ ભારત-યુએઈ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ત્યાંના નેતાઓ સાથે ચર્ચા કરશે.'

કતાર ભારત માટે ઊર્જાનો મહત્ત્વનો સપ્લાયર છે: MEA

તેમણે વધુમાં ઉમેર્યું કે, 'આપણે આપણી ઊર્જા સુરક્ષા મજબૂત કરવાની સાથે પડોશી દેશોની વિનંતી મુજબ તેમની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે પણ સહાય પૂરી પાડી રહ્યા છીએ. અમે બે અઠવાડિયા પહેલા શ્રીલંકાને 38 મેટ્રિક ટન પેટ્રોલિયમ પેદાશોનો પુરવઠો પૂરો પાડ્યો હતો. અમે તેલ અને ગેસના પુરવઠા માટે સરકાર-ટુ-સરકાર(G2G) કરારને અંતિમ ઓપ આપી રહ્યા છીએ, જે મોરેશિયસની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આપણા પેટ્રોલિયમ મંત્રી 9 અને 10 એપ્રિલના રોજ કતારની મુલાકાતે છે. હાલમાં તેઓ કતારમાં છે. કતાર ભારત માટે ઊર્જાનો મહત્ત્વનો સપ્લાયર છે. કતારના ઊર્જા મંત્રીએ ભારતને વિશ્વાસપાત્ર ઊર્જા સપ્લાયર તરીકે રહેવાની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી છે અને ભારત સાથે ઊર્જા સંબંધો અને સહયોગને ચાલુ રાખવા તેમજ મજબૂત કરવા ઇચ્છા વ્યક્ત કરી છે.'

ભારતે હંમેશા નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી: MEA

દિલ્હીમાં રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું કે, 'લેબેનૉનમાં મોટી સંખ્યામાં નાગરિકોના મોતના અહેવાલોથી અમે ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ. લેબેનૉનની શાંતિ અને સુરક્ષા માટે કામ કરતાં યુનિફિલમાં સૈનિકો ફાળવતા દેશ તરીકે ઘટનાઓની આ દિશા ખૂબ જ ચિંતાજનક છે. ભારતે હંમેશા નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવું અને રાજ્યોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું આવશ્યક છે. લેબેનૉનમાં અમારું દૂતાવાસ ભારતીય સમુદાયની સુરક્ષા માટે તેમના સતત સંપર્કમાં છે.'

આ પણ વાંચો: VIDEO: સેલ્ફીના ચક્કરમાં મસ્તી ભારે પડી, કેમેરા સામે 3 કિશોરીઓનું ઝરણામાં ડૂબી જતાં મોત

બંદરો અને શિપિંગ મંત્રાલયનું નિવેદન

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મુકેશ મંગલે જણાવ્યું હતું કે, 'હું એ પણ જણાવવા માંગુ છું કે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રીએ આજે અમારા મંત્રાલય હેઠળના તમામ બંદરો અને તમામ સંસ્થાઓ સાથે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે બંદરો અને ડીજી શિપિંગ(DG Shipping) સહિતની તમામ સંસ્થાઓને આદેશ આપ્યો છે કે નિકાસકારો અથવા અન્ય કોઈ દ્વારા ધ્યાનમાં લાવવામાં આવેલી સમસ્યાઓનો ઉકેલ લાવવા તાત્કાલિક પગલાં લેવામાં આવે. આ પ્રદેશમાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં ભારતીય ધ્વજ ધરાવતા કોઈપણ જહાજ સાથે કોઈ અપ્રિય ઘટના બની નથી... મંત્રાલયે અત્યાર સુધીમાં 1,927થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે પરત લાવવાની સુવિધા પૂરી પાડી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 124 નાવિકોનો સમાવેશ થાય છે. નાવિકોનું કલ્યાણ અને અવિરત દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે મંત્રાલય વિદેશ મંત્રાલય, ભારતીય મિશન અને દરિયાઈ હિતધારકો સાથે સંકલન કરવાનું ચાલુ રાખશે.'

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનું નિવેદન

સુજાતા શર્મા, જોઈન્ટ સેક્રેટરી (માર્કેટિંગ અને ઓઈલ રિફાઈનરી), પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે, '...અમારા એલપીજી(LPG) વિતરકો અને પેટ્રોલ પંપો પાસે પૂરતો સ્ટોક છે, ક્યાંય સ્ટોક ખાલી(dryout) થયો હોવાના અહેવાલ નથી... અમારા ઘરેલું એલપીજી સિલિન્ડરનો પુરવઠો સામાન્ય છે અને ઓનલાઇન બુકિંગ લગભગ 98 ટકા સુધી પહોંચી ગયું છે. વધુમાં, હવે અમારી 92 ટકા ડિલિવરી OTP વેરિફિકેશન દ્વારા કરવામાં આવી રહી છે. જેમ તમે જાણો છો, કોમર્શિયલ એલપીજી પુરવઠો તેની ક્ષમતાના 70 ટકા સુધી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે; આ શ્રેણીમાં હૉસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, હોટલો, ઢાબા, મજૂર કેમ્પ, શ્રમ-સઘન ઉદ્યોગો, પેકેજિંગ યુનિટ્સ, ફાર્માસ્યુટિકલ સેક્ટર અને સ્થળાંતરિત મજૂરોને પ્રાથમિકતા આપવામાં આવી છે... અમારી પાસે હાલમાં ક્રૂડ ઓઇલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.'