- ભારત-રશિયા સંબંધો માત્ર બંને દેશો માટે જ હિતકારી નથી પરંતુ સમગ્ર વિશ્વ માટે હિતકારી છે : જયશંકરે રશિયન વિદેશ મંત્રી લેવરોવને કહ્યું
મોસ્કો : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે ખુલ્લા મને જણાવ્યું હતું કે, ભારત- રશિયા સંબંધોએ આંતરરાષ્ટ્રીય ફલક પર સ્થિરતા લાવી દીધી છે. આ સંબંધો વધુ વિકસે અને વધુ મુલ્યવાન બને તે માત્ર ભારત-રશિયા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પણ હિતકારી છે.
રશિયાના વિદેશ મંત્રી સર્જી લેવરોવે સાથેની દ્વિ-પક્ષીય મંત્રણા દરમિયાન બંને વિદેશ મંત્રીઓએ ઘણા દ્વિપક્ષીય કરારો કર્યા હતા. અને પૂર્વે પણ અમલી બનેલી યોજનાઓમાં થઈ રહેલા વિકાસની પણ સમીક્ષા કરી હતી.
આ સાથે જયશંકરે કહ્યું હતું કે, આપણે નિયમિત રીતે અમુક અમુક અંતરે મળતા રહેવું અનિવાર્ય લાગે છે. જે બંને દેશો તેમજ સમગ્ર વિશ્વના હિતમાં છે. અમે દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત વૈશ્વિક પરિસ્થિતિ વિષે પણ ચર્ચા કરી હતી. આ પ્રસંગ મારા માટે એટલો મહત્વનો છે કે, ભારત-રશિયાની ૨૩મી શિખર પરિષદ માટે પ્રમુખ પુતિન પોતે ભારત આવવાના છે.
જયશંકર મોસ્કોમાં યોજાનારી શાંઘાઈ- કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસ.સી.ઓ.)ની પરિષદમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ લઈ અહીં તા. ૧૮મીએ જ આવી પહોંચ્યા હતા. તેઓએ રશિયાના વિદેશ મંત્રી સર્જી લેવરોવ સાથે વ્યાપારી કરારો વિષે તેમજ સંરક્ષણ ક્ષેત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું.
આ ઉપરાંત પ્રમુખ પુતિનની ભારત યાત્રાની તારીખો નક્કી કરવા, વૈચારિક આપલે થઈ હતી. એસ.સી.ઓ.માં લેવરોવ ઉપરાંત રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટિન પણ હાજર રહ્યા હતા.


