'ઘરેલુ રાજકીય સંકટથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ', ભારતે પાકિસ્તાનના આરોપોને ફગાવ્યા

MEA slams Pakistan: ભારતે મંગળવારે પાકિસ્તાની નેતૃત્વ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને આકરા શબ્દોમાં નકારી કાઢ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાની નેતૃત્વ દ્વારા લગાવવામાં આવેલા ખોટા અને પાયાવિહોણા આરોપોને સંપૂર્ણપણે નકારે છે, જે સ્પષ્ટપણે જનતાને ગેરમાર્ગે દોરવા માટે રચાયેલ છે.
જયસ્વાલે કહ્યું કે, આ પાકિસ્તાનની એક સારી રીતે ઘડાયેલી યુક્તિ છે, જેમાં તે ભારત સામે ખોટા અને બનાવટી આરોપો લગાવીને સૈન્ય પ્રેરિત બંધારણીય અસ્થિરતા અને તેના દેશમાં સત્તા કબજે કરવાના પ્રયાસોથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આ વાસ્તવિકતાથી સારી રીતે વાકેફ છે અને પાકિસ્તાનની ડાયવર્ઝનરી યુક્તિઓથી ગેરમાર્ગે દોરાશે નહીં.
ઇસ્લામાબાદ જિલ્લા કોર્ટ નજીક થયેલા આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટમાં 12 લોકો માર્યા ગયા અને 30 ઘાયલ થયા. વિદેશ મંત્રાલયે પાકિસ્તાની નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે આ ઇસ્લામાબાદ દ્વારા તેના ઘરેલુ રાજકીય અને બંધારણીય સંકટ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. આ ઘટનાના એક દિવસ પહેલા જ દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર વિસ્ફોટમાં 12 લોકો માર્યા ગયા હતા.
દિલ્હી કાર બ્લાસ્ટમાં 10થી વધુના મોત
રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બરે સાંજે લાલ કિલ્લાથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં 8 લોકોના મોત થઈ ગયા હતા. જો કે આજે(મંગળવાર) મૃત્યુઆંક વધીને 13 સુધી પહોંચી ગયો છે. આ ઘટનાને પગલે દિલ્હી સહિત દેશભરના અનેક રાજ્યો ખાસ કરીને હરિયાણા અને ગુજરાતમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. હાલમાં ફરીદાબાદ સહિત દિલ્હીમાં 1000થી વધુ પોલીસ જવાનો બ્લાસ્ટને લગતી માહિતી વિશે તથ્યો એકઠાં કરવા મેગા સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
પાકિસ્તાનની ઇસ્લામાબાદ કોર્ટનાં પટાંગણમાં બોમ્બ વિસ્ફોટ: 12નાં મોત, 20થી વધુને ગંભીર ઇજાઓ
મંગળવારે બપોરે 12:30 કલાકે કોર્ટનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું હતું ત્યારે એક પાર્કડ વ્હીકલમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો હતો. તેનો ધડાકો એટલો જબરજસ્ત હતો કે, તેનો અવાજ 6 કિમી. દૂર સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટમાં 12નાં મોત અને 20થી વધુને ગંભીર ઇજાઓ થઈ હતી.

