ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તુ ક્રુડ રિફાઈન કરી યુક્રેનને ડીઝલ વેચ્યું
- રશિયા-યુક્રેન યુદ્ધ, ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે નવો ઘટસ્ફોટ
- યુક્રેનને ડીઝલ પૂરું પાડનાર ભારત 15.5 ટકા હિસ્સા સાથે ટોચનું સપ્લાયલર, જુલાઈ 2025માં વાર્ષિક પાંચ ગણો ઉછાળો
- રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાએ ટેરિફ નાંખ્યા, ભારતની નિકાસથી યુદ્ધ વચ્ચે યુક્રેનને લાભ થયાનો દાવો
નવી દિલ્હી : યુક્રેનિયન ઓઈલ એનેલિટિક્સ ફર્મ નાફ્ટોરીનોક અનુસાર જુલાઈ ૨૦૨૫માં કુલ આયાતના ૧૫.૫ ટકા હિસ્સા સાથે ભારત તમામ પ્રતિસ્પર્ધીઓને પાછળ મુકીને યુક્રેનના સૌથી મોટા ડીઝલ સપ્લાયર તરીકે ઊભરી આવ્યું હતું. દૈનિક શિપમેન્ટ્સ સરેરાશ ૨,૭૦૦ ટન રહી હતી જે આ વર્ષે ભારતનો સૌથી મજબૂત નિકાસ પરફોર્મન્સ રહ્યો હતો. આ ઉછાળો ખાસ જુલાઈ ૨૦૨૪ની સરખામણીએ વિશિષ્ટ છે જ્યારે ભારતે યુક્રેનની ડીઝલ જરૂરીયાતનો માત્ર ૧.૯ ટકા હિસ્સો પૂરો પાડયો હતો.
આ સીમાચિહ્ન રાજકીય રીતે નાજુક સમયે હાંસલ થયું છે. અમેરિકાએ તાજેતરમાં નવી દિલ્હી દ્વારા રશિયન તેલની આયાત ચાલુ રહી હોવાનું ટાંકીને ભારતીય ઉત્પાદનો પર પચાસ ટકા ટેરિફ લાદ્યા હતા. છતાં કટાક્ષ એ વાતનો છે કે ભારતમાંથી નિકાસ થતું ઈંધણ યુક્રેનના યુદ્ધગ્રસ્ત અર્થતંત્રને મદદ કરી રહ્યું છે, જે બાબત જટિલ ભૌગોલિક-રાજકીય, ઊર્જા સુરક્ષા અને વેપારની આંટીઘૂંટી દર્શાવે છે.
જોકે ભારતનું ડીઝલ વિવિધ રૂટ દ્વારા યુક્રેન પહોંચે છે. રોમાનિયાથી ડેન્યુબ પર ટેન્કર ડિલિવરીઓ મુખ્ય ચેનલ રચે છે, જ્યારે તુર્કીનું મારમારા એરેગ્લીસી ઓપેટ ટર્મનિલ પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. આંશિક પ્રતિબંધો છતાં આ માર્ગથી ભારત પડકારજનક પરિસ્થિતિ હેઠળ પણ વિશ્વસનીય સપ્લાયર તરીકે પોતાની પ્રતિષ્ઠા જાળવવામાં સફળ રહ્યું છે.
જાન્યુઆરી અને જુલાઈ ૨૦૨૫ દરમ્યાન ભારત યુક્રેનની ડીઝલ આયાતનો ૧૦.૨ ટકા પૂરવઠો પૂરો પાડયો હતો જે ગયા વર્ષના આ જ સમયની સરખામણીએ પાંચ ગણો ઉછાળો હતો. કુલ નિકાસ જથ્થો ગ્રીસ અને તુર્કીની સરખામણીએ ઓછો હોવા છતાં જુલાઈના પ્રમાણસરના આંકડા ભારતને તેના પ્રતિસ્પર્ધીઓ કરતા આગળ મૂકે છે.
યુક્રેનની ઊર્જા જરૂરીયાત માટે અન્ય દેશો પણ મહત્વના રહ્યા છે. ગ્રીસ અને તુર્કીની ડીલીવરીઓ મહત્વની રહી જ્યારે સ્લોવેકિયા બંને કરતા આગળ રહ્યું. પોલેન્ડ અને લિથુનિયાના ઓર્લેન જૂથે સંયુક્ત રીતે વીસ ટકા ફાળો આપ્યો જ્યારે સ્વીડનના પ્રીમએ પોલેન્ડ અને ડેનમાર્ક દ્વારા કાર્ગો મોકલીને રેકોર્ડ ડીલીવરીઓ કરી અને જુલાઈની કુલ આયાતમાં ચાર ટકાનો ઉમેરો કર્યો.
ટોચના સપ્લાયર તરીકે ભારતનો ઉદય વૈશ્વિક ઈંધણ વેપારમાં તેની વધતી જતી ભૂમિકા ઉપરાંત યુદ્ધ ગ્રસ્ત યુરોપમાં ઊર્જા પ્રવાહને આકાર આપતી ભૂ-રાજકીય વિડંબનાઓને પણ પ્રકાશિત કરે છે.