મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોનું સમાધાન લાવો: H1B વિઝામાં ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા
India Reacts to U.S. H1B Visa Fee Hike : અમેરિકાએ H1B વિઝાની ફીઝ વધારીને 1 લાખ ડોલર કરી નાંખી છે. જે બાદથી જ અનેક ભારતીયોમાં અફરાતફરી મચી ગઈ છે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સરકાર આ નિર્ણયનું અધ્યયન કરી રહી છે તથા ટેકનોલોજી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ પક્ષ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે અમેરિકાને યાદ અપાવ્યું છે કે અમેરિકામાં ઈનોવેશન, આર્થિક વિકાસ, પ્રતિસ્પર્ધાત્મકતા, ધન સર્જનમાં અહીંથી ગયેલી કુશળ પ્રતિભાઓનું પણ યોગદાન છે. એવામાં આશા છે કે નીતિ નિર્માતા પારસ્પરિક લાભ તથા બંને દેશોના લોકો વચ્ચેના મજબૂત સંબંધને ધ્યાને રાખી નિર્ણયનું મૂલ્યાંકન કરશે.
ભારતે એમ પણ કહ્યું છે કે આ નિર્ણયના કારણે પ્રભાવિત પરિવારો સામે નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, આશા છે કે અમેરિકા આ મુશ્કેલીઓનું સમાધાન લાવશે.
અમેરિકાની ટેક કંપનીઓમાં પણ ખળભળાટ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાને લઈને જાહેરાત કર્યા બાદ મેટા, માઈક્રોસોફ્ટ, એમેઝોન, જે પી મોર્ગન સહિતની દિગ્ગજ કંપનીઓમાં ખળભળાટ મચ્યો છે. દિગ્ગજ ટેક કંપનીઓએ તેમના કર્મચારીઓને દેશ ( અમેરિકા ) ન છોડવાની સલાહ આપી છે. આટલું જ નહીં મેટા અને માઈક્રોસોફ્ટ કંપનીએ તેમના કર્મચારીઓને ઈમેલ પાઠવ્યો છે કે જો તમે હાલ અમેરિકાની બહાર ગયા હોવ તો 24 કલાકમાં દેશ પરત ફરો.
મેટાએ તેમના કર્મચારીઓને 24 કલાકમાં અમેરિકા પરત ફરવા નિર્દેશ આપ્યા છે જ્યારે બીજી તરફ માઈક્રોસોફ્ટે કર્મચારીઓને આગામી 15 દિવસ કોઈ પણ કારણસર અમેરિકા બહાર ન જવા સલાહ આપી છે. એમેઝોન કંપનીએ પણ કર્મચારીઓને નોટિસ આપી છે કે જો તમે H1B વિઝા ધરાવતા હોવ તો દેશમાં જ રહો.
નોંધનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીઝ વધારીને 1 લાખ ડોલર કરી નાંખી છે. આ નિયમ 21 સપ્ટેમ્બરથી જ લાગુ થઈ જશે. હજુ તો કંપનીઓ તથા કર્મચારીઓ નવા નિયમો સમજી રહ્યા છે એવામાં નિયમ લાગુ કરવાની સરકારની ઉતાવળના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.