સિંધુ જળ સંધિ મુદ્દે ઘેરાયુ પાકિસ્તાન : ભારતે વર્લ્ડ બેંકના નિર્ણય સામે ઉઠાવ્યા સવાલ
ભારત આ સંધિનો ચુસ્તપણે અમલ કરે છે છતાં પાકિસ્તાન કોઈ ને કોઈ વાંધા કાઢયા જ કરે છે
ભારતે તાજેતરમાં જ પાકિસ્તાનને સિંધુ જળ સંધિમાં સંશોધનને અનુલક્ષીને નોટીસ પાઠવી હતી
નવી દિલ્હી, તા.02 ફેબ્રુઆરી-2023, ગુરુવાર
સિંધુ જળ સંધિ અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દા અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે વર્લ્ડ બેંકના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, અમે 25 જાન્યુઆરીએ પાકિસ્તાનને 1960ના સિંધુ જળ સંધિમાં સંશોધનને અનુલક્ષીને નોટીસ પાઠવી છે. મને પાકિસ્તાન અથવા વિશ્વ બેંક તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયાની માહિતી મળી નથી. બાગચીએ કહ્યું કે, મને લાગતું નથી કે, વિશ્વ બેંક અમારા આ મુદ્દાનું સમાધાન કરવાની સ્થિતિમાં હોય. તેમણે કહ્યું કે, અમારા બંને દેશો વચ્ચે આ એક સંધી છે અને તેનું મૂલ્યાંકન અમે પોતે જ કરીશું.
વર્લ્ડ બેંકે શું કહ્યું ?
સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડ બેંકનું કહેવું છે કે, આ મુદ્દાના સમાધાન માટે બંને દેશો બે જુદાં-જુદાં રસ્તા અપનાવે. સિંધુ જળ સંધિ વિવાદ મામલે બંને દેશો ન્યૂટ્રલ એક્સપર્ટ એપોઈન્ટ કરે અને કોર્ટ ઓફ આરબિટ્રેશનમાં જાય. બીજી તરફ વર્લ્ડ બેંકના નિવેદન બાદ ભારતનું કહેવું છે કે, પહેલા કમિશનર સ્તરે આ મુદ્દાનું સમાધાન કરવા ઈચ્છશે, ત્યારબાદ ન્યુટ્રલ એક્સપર્ટ અને કોર્ટ ઓફ આરબિટ્રેશનનો દરવાજો ખટખટાવશે. બાગચીએ કહ્યું કે, વર્લ્ડ બેંકે પોતે જ સ્વીકારી લીધુ છે કે, આ બે સમાંતર પ્રક્રિયા છે. અમે મૂલ્યાંકન કરીએ છીએ કે આ સંધિની જોગવાઈઓ અનુસાર નથી. તેમણે કહ્યું કે, સિંધુ જળ સંધિ વિવાદ મામલે અમે પાકિસ્તાનને પોતાનો પક્ષ રાખવાની તક આપી છે. ઉપરાંત ભારત તરફથી કહેવાયું છે કે, પડોશી દેશ ઈચ્છે તો સરકાર સ્તરે પણ આ અંગે વાતચી કરી શકે છે.
ભારતે પાકિસ્તાનને ફટકારી હતી નોટીસ
સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સધિમાં સંશોધનને અનુલક્ષીને ભારતે તાજેતરમાં જ પાકિસ્તાનને નોટિસ પાઠવી હતી. દરમિયાન પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને અક્ષરશઃ લાગુ કરવામાં ભારત અડગ સમર્થક અને જવાબદાર ભાગીદાર રહ્યું છે. પાકિસ્તાનના પગલાંથી સિંધુ સંધિની જોગવાઈઓને પ્રતિકૂળ અસર થઈ છે. તેથી ભારતને નોટિસ જારી કરવાની ફરજ પડી હતી. આ નોટિસનો હેતુ પાકિસ્તાનને સિંધુ જળ સંધિના ઉલ્લંઘનને સુધારવા માટે 90 દિવસની અંદર આંતર-સરકારી વાટાઘાટોમાં પ્રવેશવાની તક પૂરી પાડવાનો છે. આ પ્રક્રિયા સિંધુ જળ સંધિને પણ અપડેટ કરશે કારણ કે છેલ્લા 62 વર્ષોમાં પરિસ્થિતિ બદલાઈ છે.
પાકિસ્તાનો ચર્ચા કરવાનો વારંવાર ઈન્કાર
ભારત દ્વારા પરસ્પર સહમતિથી આગળ વધવાના વારંવારના પ્રયાસો કરવા છતા પાકિસ્તાને વર્ષ 2017થી 2022 સુધી સ્થાયી સિંધુ કમિશનની 5 બેઠકો દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરવાનો ઈનકાર કર્યો હતો. પાકિસ્તાનના સતત આગ્રહ પર વિશ્વ બેંકે તાજેતરમાં તટસ્થ નિષ્ણાત અને કોર્ટ ઓફ આર્બિટ્રેશન બંને પ્રક્રિયાઓ શરૂ કરી છે. સમાન મુદ્દાઓ પર આવા સમાંતર વિચારો સિંધુ જળ સંધિની કોઈપણ જોગવાઈ હેઠળ આવતા નથી.
શું છે સિંધુ જળ સંધિ?
હકીકતમાં સિંધુ જળ સંધિની જોગવાઈઓ હેઠળ સતલજ, બિયાસ અને રાવીના પાણી ભારતને અને સિંધુ, ઝેલમ અને ચિનાબના પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાને નવ વર્ષની વાટાઘાટો બાદ 19 સપ્ટેમ્બર 1960માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં વિશ્વ બેંક પણ હસ્તાક્ષરકર્તા છે. બંને દેશોના જળ કમિશનરો વર્ષમાં બે વાર મળે છે અને પ્રોજેક્ટ સાઈટ્સ અને મહત્વપૂર્ણ નદીના હેડવર્ક્સની તકનીકી મુલાકાત ગોઠવે છે.
સિંધુ જળ સંધિમાં ત્રણ નદી ભારતને, ત્રણ પાકિસ્તાનને મળી
સિંધુ જળ સંધિ ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૦ના રોજ વર્લ્ડ બેંકની મધ્યસ્થીથી થઈ હોવાથી આ સંધિનો અમલ કરાવવાની જવાબદારી વર્લ્ડ બેંકની છે. આ સંધિ પર ભારત તરફથી વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ ને પાકિસ્તાન તરફથી અયુબ ખાને સંધિ પર સહી કરી હતી. આ સંધિ પ્રમાણે ભારત અને પાકિસ્તાનમાં વહેતી છ મોટી નદીમાંથી ત્રણ-ત્રણ નદી બંને દેશોને વહેંચી દેવાઈ છે. બિયાસ, રાવિ અને સતલજ એ ત્રણ નદી ભારતને જ્યારે સિંધુ, ચેનાબ અને ઝેલમ નદી પાકિસ્તાનના ફાળે ગઈ છે.
આ સંધિ પ્રમાણે ભારત સિંધુ, ચેનાબ અને ઝેલમ નદીના પાણીનો ઉપયોગ સિંચાઈ, ટ્રાન્સપોર્ટ અને પાવર જનરેશન માટે કરી શકે. અલબત્ત આ નદીના કાંઠે ઉદ્યોગો કે બીજા કોઈ પ્રોજેક્ટ ઉભા કરીને તેના માટે આ નદીઓના પાણીનો ઉપયોગ ના કરી શકે. ભારત મર્યાદિત પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકાય તેવા ડેમ બનાવી શકે એવી પણ છૂટ મળેલી છે.
વર્લ્ડ બેંકે પાકિસ્તાનને કેટલું પાણી મળવું જોઈએ તેનું પ્રમાણ પણ નક્કી કરી આપ્યું છે. ભારતે વર્લ્ડ બેંકે નક્કી કરેલા પાણી કરતાં ઓછું પાણી ના મળે તેનું ધ્યાન રાખવાનું છે. ભારત આ સંધિનો ચુસ્તપણે અમલ કરે છે છતાં પાકિસ્તાન કોઈ ને કોઈ વાંધા કાઢયા જ કરે છે.