Get The App

વૉટર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનને ભીંસમાં લેવાની તૈયારી, ભારતે અફઘાન સાથે મળીને ઘડ્યો 'પ્લાન'

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
વૉટર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનને ભીંસમાં લેવાની તૈયારી, ભારતે અફઘાન સાથે મળીને ઘડ્યો 'પ્લાન' 1 - image


- ભારતે પહેલી વખત તાલિબાન સાથે હાથ મિલાવ્યા

- તાલિબાનોએ પહલગામ હુમલાની ટીકા કરી, ભારતે કાબુલ નદી પર શહતૂત બંધ બનાવવા તૈયારી દર્શાવી

- પહલગામમાં આતંકી હુમલા પછી તુરંત જ ભારતીય રાજદ્વારીઓની ટીમે અફઘાનિસ્તાનનો પ્રવાસ કર્યો હતો

Ind vs Pak News :  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ભારતે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરીને પાકિસ્તાનમાં જતું પાણી અટકાવી દીધું છે. આટલું ઓછું હોય તેમ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં ભારે વિનાશ વેર્યો હતો. હવે ભારતે તાલિબાન સાથે હાથ મિલાવીને પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન તરફથી આવતું પાણી રોકવાની પણ તૈયારી હાથ ધરી છે. વિદેશ મંત્રી જયશંકરે તાલિબાનોના સત્તા પર આવ્યા પછી પહેલી વખત ગુરુવારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તાકી સાથે વાત કરી હતી.

ભારતના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર મુત્તાકીએ ગુરુવારે સાંજે ફોન પર વાતચીત કરી હતી. અફઘાનિસ્તાને પહલગામમાં આતંકી હુમલાની આકરી ટીકા કરી હતી અને ઓપરેશન સિંદૂર મુદ્દે ભારતને સમર્થન આપ્યું હતું. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વિદાય બાદ તાલિબાનોએ સત્તા સંભાળ્યા પછી ભારતે પહેલી વખત સત્તાવાર રીતે તાલિબાનો સાથે ચર્ચા કરી હતી. ભારત અને તાલિબાનના વિદેશમંત્રી વચ્ચેની વાટાઘાટોથી પાકિસ્તાનમાં 'ઓપરેશન સિંદૂર' જેવો જ હોબાળો મચી ગયો.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રાજકીય સંવાદે પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યા પછી સિંધુ જળ સમજૂતીને અભેરાઈએ નાંખવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનને પરેશન કરી દીધું છે. હવે અફઘાનિસ્તાન સાથે હાથ મિલાવીને ભારત પાકિસ્તાનમાં તેની પશ્ચિમી સરહદેથી આવતું પાણી પણ રોકવાની તૈયારી કરી રહ્યું છે.

સૂત્રો મુજબ જયશંકર અને મુત્તાકી વચ્ચે અફઘાનિસ્તાનમાં ભારતની મદદવાળા વિકાસ પ્રોજેક્ટને આગળ વધારવા સંમતિ થઈ છે, તેમાં લાલંદરનો શહતૂત બાંધ પ્રોજેક્ટ પણ સામેલ છે, જે કાબૂલ નદી પર બનાવાશે. બંને દેશો વચ્ચે ફેબુ્રઆરી ૨૦૨૧માં આ પ્રોજેક્ટ માટે સમજૂતી થઈ હતી, પરંતુ કાબુલમાં સત્તા બદલાઈ ગયા પછી આ પ્રોજેક્ટ પર બ્રેક વાગી ગઈ હતી. પહલગામ આતંકી હુમલા પછી ભારતીય રાજદ્વારીઓની એક ટીમ કાબુલ પ્રવાસે જતા આ પ્રોજેક્ટ ફરી શરૂ થવાનો ગણગણાટ થવા લાગ્યો હતો.

હકીકતમાં કાબુલ નદી પર બનનારા આ પ્રોજેક્ટથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને દેશના અન્ય ભાગમાં રહેતા અંદાજે ૨૦ લાખ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહેશે. આ શહતૂત બંધ પ્રોજેક્ટ માટે ભારત ૨૩.૬ કરોડ ડોલરની નાણાકીય અને ટેક્નોલોજી સહાય પૂરી પાડશે. આ પ્રોજેક્ટ લગભગ ત્રણ વર્ષમાં પૂરો થશે અને તેનાથી અફઘાનિસ્તાનમાં ૪,૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવાશે.

શહતૂત બાંધ પ્રોજેક્ટથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી જશે. આ પ્રોજેક્ટના પગલે હિન્દુ કુશ પર્વતોમાંથી નીકળતી કાબુલ નદી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતમાં દાખલ થાય છે. જોકે, આ બાંધ બનતા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતમાં પાણીની અછત સર્જાશે. પહલગામમાં ૨૨ એપ્રિલે આતંકી હુમલા પછી ભારતીય રાજદૂતોએ ૨૯ એપ્રિલે અફઘાનિસ્તાનની મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટ ફરી શરૂ કરવા તૈયારી દર્શાવી હતી. અફઘાનિસ્તાને પણ પહલગામ આતંકી હુમલાની ટીકા કરી હતી અને ભારત સાથે વ્યૂહાત્મક હિતો સાથે તાલમેલ બેસાડવાના સંકેત આપ્યા છે.

Tags :