LOC પર ચીનની મુશ્કેલી વધશે, દેશની સૌથી ઘાતક બેલેસ્ટિક મિસાઈલ પ્રલય પરીક્ષણ માટે તૈયાર
મિસાઈલનું પરીક્ષણ માટે DRDO દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી
મિસાઈલનું પરીક્ષણ બંગાળની ખાડીમાં કરવામાં આવશે
Image : Twitter |
દેશની સૌથી શક્તિશાળી અને ઘાતક બેલેસ્ટિક મિસાઈલ પ્રલય સંપૂર્ણપણે તૈયાર છે. તેની છેલ્લી ટ્રાયલ ગુરુવાર અને શુક્રવારે છે. આ માટે અબ્દુલ કલામ દ્વીપ પર DRDO દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
DRDOએ આ મિસાઈલને દરેક સ્તરે પરીક્ષણ કર્યુ
મિસાઈલનું પરીક્ષણ બંગાળની ખાડીમાં કરવા માટે 700 કિમીની રેન્જમાં નોટિસ-ટુ-એરમેન જાહેર કરવામાં આવ્યુ છે. આ મિસાઈલના સફળ પરીક્ષણ બાદ તેને ટૂંક સમયમાં ભારતીય વાયુસેના અને સેનાને સોંપવામાં આવશે. આ મિસાઈલને કારણે વિસ્તારવાદી ચીનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણકે આ મિસાઈલને પોતાની તાકાતને વધુ મજબુત કરવા માટે ભારત જલ્દી જ LOC પર તૈનાત કરશે. આ જ કારણ છે કે DRDOએ આ મિસાઈલને દરેક સ્તરે પરીક્ષણ કર્યુ છે.
DRDO આ મિસાઈલની રેન્જ વધારી રહ્યું છે
પ્રલય એક અર્ધ બેલેસ્ટિક સપાટીથી સપાટી મિસાઈલ છે. આ મિસાઈલ 150 થી 500 કિમીની રેન્જમાં દુશ્મનના કોઈપણ પ્રકારના લક્ષ્યને નષ્ટ કરી શકે છે. જાન્યુઆરી 2023 ના રોજ સંરક્ષણ મંત્રાલયે 120 પ્રલય મિસાઇલોની ખરીદીને લીલી ઝંડી આપી હતી. રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર 1 જૂનથી 2 જૂન વચ્ચે આ મિસાઈલના અંતિમ પરીક્ષણની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે DRDO આ મિસાઈલની રેન્જ વધારી રહ્યું છે. અંતિમ પરીક્ષણ બાદ મિસાઈલ પ્રલયની પ્રથમ ખેપને ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે અને ત્યાર બાદ આ મિસાઈલ ભારતીય સેનાને આપવામાં આવશે.
મિસાઈલ પ્રલયની વિશેષતા તેની અદ્યતન ટેકનોલોજી છે
મિસાઈલ પ્રલયની વિશેષતા તેની અદ્યતન ટેકનોલોજી છે. મિસાઈલ હવાની વચ્ચે જ જરૂરિયાત મુજબ પોતાનો રસ્તો બદલી શકે છે જેના કારણે તે દુશ્મનના કોઈપણ પ્રકારના ખતરાને અનુભવીને તેનો નાશ કરી શકે છે. આ સચોટ ટાર્ગેટવાળી પ્રલય મિસાઈલના 120ના પહેલા ટાર્ગેટને પૂર્ણ કર્યા બાદ વધુ 180 મિસાઈલ પર કામ શરૂ કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં ભારતીય વાયુસેના અને ભારતીય સેના પાસે 300થી વધુ પ્રલય મિસાઇલો હશે. પ્રલય મિસાઈલનું સફળ પરીક્ષણ અને ઇન્ડક્શન ભારતના મિસાઈલ કાર્યક્રમમાં એક મજબૂત કડી સાબિત થશે.