Get The App

હવાઈ હુમલાની સાઇરન વાગે પછી શું કરવું? ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે મોક ડ્રીલ

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
Civil Defence Mock Drill


Civil Defence Mock Drill : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ અને પરમાણુ હુમલાની ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં કેન્દ્રીય ગૃહ વિભાગે અનેક રાજ્યોને આગામી 7મી મેએ એટલે કે આવતીકાલે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરવાનો નિર્દેશ કર્યો છે. 

244 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે મોક ડ્રીલ

આ મોક ડ્રીલમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે. આ મોક ડ્રીલ 244 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે. તેનો ઉદ્દેશ નાગરિક સંરક્ષણ માટે વધુ સારી તૈયારીઓ કરવાનો છે. નોંધનીય છે કે આવી મોક ડ્રીલ છેલ્લે વર્ષ 1971માં યોજાઇ હતી, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. 

મોક ડ્રીલમાં શું શું કરવામાં આવશે? 

- હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે. 

- નાગરિકોને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે. 

- મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે. 

- નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે. 

- મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે. 

હુમલાની સાઇરન કેમ વાગે છે?

હુમલાની સાઇરન આપત્તિ જેવી કટોકટીની સ્થિતિમાં વગાડવામાં આવે છે. મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ દ્વારા હુમલાવાળું સાઇરન 2-5 કિમી સુધી સાંભળી શકાય તે રીતે 120-140 ડેસિબલના અવાજ સાથે વગાડવામાં આવે છે. આ સાઇરનના અવાજમાં એક સાઈકલીક પેટર્ન હોય છે, જેમાં પહેલા ધીમે ધીમે અવાજ આવે છે અને પછી તે વધતો જાય છે. 

ફિરોઝપુર કેન્ટોનમેન્ટમાં અડધા કલાક માટે બ્લેકઆઉટ મોક ડ્રીલ

રવિવારે, ફિરોઝપુર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં 30 મિનિટનો બ્લેકઆઉટ મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી જેમાં રાત્રે 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી બધી લાઇટો બંધ રાખવામાં આવી હતી. જો કોઈ વાહનની લાઈટો ચાલુ જોવા મળે, તો તે બંધ કરી દેવામાં આવતી. પોલીસ સંપૂર્ણપણે સતર્ક રહી અને દરેક ચોકડી પર તૈનાત કરવામાં આવી. 

કયા જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાશે?

નાગરિક સંરક્ષણ અધિનિયમ, 1968 સમગ્ર દેશમાં લાગુ પડે છે. તેમ છતાં, આ સંગઠન ફક્ત એવા વિસ્તારો અને ઝોનમાં જ સ્થાપિત કરવામાં આવ્યું છે જે દુશ્મનના હુમલાના દૃષ્ટિકોણથી વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ માનવામાં આવે છે. 

આથી 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજવાની યોજના બનાવવામાં આવી છે. આ જિલ્લાઓ ભારત-પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા છે, જેમાં જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ થાય છે. તેમજ કેટલાક સંવેદનશીલ શહેરો છે જેને સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ બનવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સતત 12માં દિવસે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, આજે બંને દેશોના DGMOની બેઠક

હુમલા માટેનું સાઇરન વાગે ત્યારે શું કરવું?

જયારે સાઇરન વાગે ત્યારે ગભરાશો નહીં. તેમજ તાત્કાલિક એટલે કે 5થી 10 મિનિટમાં સલામત સ્થળોએ પહોંચી જવું. ખુલ્લા વિસ્તારોથી દૂર ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર રહેવું. આ ઉપરાંત ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું. તેમજ અફવાઓથી દૂર રહેવું અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું. 

હવાઈ હુમલાની સાઇરન વાગે પછી શું કરવું? ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે મોક ડ્રીલ 2 - image
Tags :