પાકિસ્તાનના PMએ આપ્યું ગ્રીન સિગ્નલ તો ભારતે બિલાવલને મોકલ્યું આમંત્રણ, 8 વર્ષ બાદ સંબંધોમાં જોવા મળ્યો સુધારો

પઠાણકોટ, ઉરી અને પુલવામામાં આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તિરાડ પડી

તાજેતરમાં જ પાક. PMએ કહ્યું હતું કે, તેમના દેશે 3 યુદ્ધોથી બોઠપાઠ મેળવ્યો છે અને ભારત સાથે શાંતિથી રહેવા ઈચ્છે છે

Updated: Jan 25th, 2023

નવી દિલ્હી, તા.25 જાન્યુઆરી-2023, બુધવાર

જ્યારે વાત પાકિસ્તાન સાથે સંબંધોની થઈ રહી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈએ કહ્યું હતું કે, ‘તમે દોસ્ત બદલી શકો છો, પરંતુ પડોશી નહીં’. ભારત હંમેશા પડોશી દેશ પાકિસ્તાન સાથે સારા સંબંધ બનાવવાની પહેલ કરતું રહ્યું છે. જોકે બદલામાં ક્યારેક કારગિલ મળ્યું તો ક્યારેક ઉરી અને પુલવામાં... એક વાર ફરી બંને દેશોની પહેલથી લાગી રહ્યું છે કે, સંબંધો સુધરી શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે કહ્યું હતું કે, તેમના દેશે 3 યુદ્ધોથી બોઠપાઠ મેળવ્યો છે અને ભારત સાથે શાંતિથી રહેવા ઈચ્છે છે. શરીફના આ નિવેદનના થોડા દિવસો બાદ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ નવી દિલ્હીથી ઈસ્લામાબાદને મોકલવામાં આવ્યું.

ભારત તરફથી પાકિસ્તાનને મોકલાયું આમંત્રણ

વિદેશ મંત્રી એસ.જયશંકર તરફથી ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન દ્વારા તેમના પાકિસ્તાની સમકક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીને બેઠક માટે મેના પહેલા અઠવાડિયામાં ગોવાની મુલાકાત લેવાનું આમંત્રણ મોકલાયું છે. હાલ જે તારીખો જોવામાં આવી રહી છે તે 4 અને 5 મે છે. જો પાકિસ્તાન આમંત્રણનો સ્વીકાર કરશે તો આ મુલાકાત લગભગ 12 વર્ષમાં આ પ્રકારની પ્રથમ મુલાકાત હશે. હિના રબ્બાની ખાર જુલાઈ-2011માં ભારતની મુલાકાત લેનાર છેલ્લી પાકિસ્તાની વિદેશ મંત્રી હતી.

SCO સમિટ 2023માં સામેલ થશે આ દેશો

SCO સમિટમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. આ પ્રકારનું આમંત્રણ મધ્ય એશિયાના દેશોની સાથે ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓને પણ મોકલાયું છે. જોકે દ્વિપક્ષીય સંબંધોની દ્રષ્ટિએ અત્યાર સુધીના નીચા સ્તરને ધ્યાને રાખી પાકિસ્તાનના વિદેશમંત્રીને ભારત તરફથી મોકલાયેલું આમંત્રણ વિશેષ નોંધપાત્ર બાબત છે.

આતંકવાદ મુદ્દે ભારતની ઝીરો ટોલરેન્સ પોલિસી

એક ટોચના અધિકારીએ અગ્રણી મીડિયા જૂથને આ બાબત અંગે વાતચીત કરી. તેમણે કહ્યું કે, આપણી ‘પડોશી પહેલી નીતિ’ને ધ્યાનમાં રાખી ભારત પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે. ભારત તરફથી સતત એવી સ્થિતિ રહી છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ મુદ્દો હોય, તો તે મુદ્દાને આતંકવાદ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં દ્વિપક્ષીય અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ. આવું અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે. જોકે તે બાબતોને પણ સ્પષ્ટ કરાઈ છે કે, ભારત રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત મુદ્દાઓ પર સમજુતી કરશે નહીં અને ભારતની સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતાને નુકસાન પહોંચાડવાના તમામ પ્રયાસોનો સામનો કરવા માટે ભારત મજબૂત અને નિર્ણાયક પગલાં લેશે.

    Sports

    RECENT NEWS