'જો તમારામાં હિમ્મત હોય તો તમામ કમાણી શહીદોને આપી દો', AAP નેતાના સૂર્યકુમાર યાદવ પર પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Pakistan Match: આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર એશિયા કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ જીત બાદ પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે નિશાન સાધ્યું છે. તેમણે સૂર્યકુમારને પડકાર આપ્યો છે કે, તેઓ પોતાની મેચની તમામ કમાણી પીડિતોના પરિવારજનોને દાન કરી દે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'હું જે કહું છું, તેના પર અડગ છું, ખેલાડી છો, રમત રમો, પૈસા પણ કમાઓ. પરંતુ આતંકવાદ દેશની સાથે રમત બાદ શહીદોના નામ પર રાજનીતિ ના કરો. ભાજપ સરકારની સ્ક્રિપ્ટ ના સંભળાવો.
'અમારી જીત શહીદોને સમર્પિત' વાળું જ્ઞાન જો કોઈ શહીદની વિધવા કે વૃદ્ધ માતાની સામે આપ્યું હોત તો તેઓ મગજ ઠીક કરી દેત.'
રવિવારે ભારતે 7 વિકેટથી મેચ જીતી, જેના માટે સોશિયલ મીડિયા પર બહિષ્કારની માગ કરાઈ હતી, પહલગામ આતંકવાદી હુમલાને ધ્યાને રાખીને BCCIએ આ મેચ માટે મંજૂરી આપતા આકરી ટીકા થઈ હતી.
મેચ બાદ ભારતીય કેપ્ટન યાદવે જીતનો શ્રેય ઓપરેશન સિંદૂરના જવાનોને આપ્યો અને કહ્યું કે, 'ટીમ પહલગામ આતંકવાદીઓના હુમલાના પીડિતોના પરિવારજનો સાથે ઉભી છે.' આ સિવાય ભારતીય ખેલાડીઓએ વિપક્ષી ટીમ સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી. ટોસના સમયે પણ બંને કેપ્ટનો ( ભારતના યાદવ અને પાકિસ્તાનના સલમાન અલી આગા)એ હાથ ન મિલાવ્યા.
ત્યારે સૌરભ ભારદ્વાજની ટિપ્પણી પર હજુ સુધી સૂર્યકુમાર યાદવ, બીસીસીઆઈ કે આઈસીસીની કોઈ પ્રતિક્રિયા નથી આવી. આ અગાઉ કેટલાક વિપક્ષી નેતાઓએ પાકિસ્તાન વિરૂદ્ધ રમવાના ભારતના નિર્ણય પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, આનાથી ભાજપની દેશભક્તિનો ઢોંગ સામે આવી ગયો છે.









