Randheer Jaiswal : ભારતીય વિદેશ મંત્રાલયે આજે (26 નવેમ્બરે) ત્રણ અલગ-અલગ મોટા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશને સ્પષ્ટ અને આકરા જવાબો આપ્યા છે. પાકિસ્તાને રામમંદિર ધ્વજારોહણ પર કરેલી ટિપ્પણીને ભારતે નકારી કાઢી, જ્યારે અરુણાચલ પ્રદેશ અંગેના ચીનના દાવાને તથ્યહીન ગણાવ્યો છે. આ ઉપરાંત બાંગ્લાદેશ દ્વારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી પર પણ ભારતે જવાબ આપીને કૂટનીતિક સંવેદનશીલતા જાળવી રાખવાનો સંકેત આપ્યો છે.

પાકિસ્તાન અમને જ્ઞાન ન આપે : ધ્વજારોહણ મુદ્દે ભારતનો જવાબ
રામ મંદિર ધ્વજારોહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાગીદારી પર પાકિસ્તાને કરેલી ટીપ્પણીને ભારતે નકારી કાઢી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, કટ્ટરતા, દમન અને લઘુમતીઓ સાથે દુર્વ્યવહારનો ડાઘ ધરાવતા પાકિસ્તાનને બીજાને ઉપદેશ આપવાનો કોઈ નૈતિક આધાર નથી. પાકિસ્તાનને પાખંડી ઉપદેશ આપવાને બદલે પોતાના માનવાધિકાર રેકોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
PM મોદીએ રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 નવેમ્બરના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર ભગવો ધર્મ ધ્વજા સ્થાપિત કર્યો હતો. તેમણે સવારે 11.55 કલાકના અભિજિત મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આ ઐતિહાસિક ધ્વજારોહણ કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ધર્મ ધ્વજાની સ્થાપના સાથે ૫૦૦ વર્ષ સુધી પ્રજ્વલિત રહેલા યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે, જે મંદિરના નિર્માણની પૂર્ણતાનું પ્રતીક છે.
ધ્વજા આરોહણને પાકિસ્તાને દંભનું પ્રદર્શન ગણાવ્યું હતું
અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજા આરોહણ થતાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રાજદ્વારી દંભનું પ્રદર્શન કર્યું હતું. તેણે પાયાવિહોણો દાવો કર્યો કે રામ મંદિરનું નિર્માણ ભારતના લઘુમતીઓ અને મુસ્લિમ સાંસ્કૃતિક વારસા માટે ખતરો છે. પાકિસ્તાને આ બનાવને ભારતમાં મુસ્લિમ સાંસ્કૃતિક વારસાને જાણી જોઈને નષ્ટ કરવાના પ્રયાસો તરીકે ગણાવીને આક્ષેપ કર્યો હતો.

‘અરૂણાચલ ભારતનું છે’ ચીનના દાવા પર ભારતનો જવાબ
શાંઘાઈ એરપોર્ટ પર ભારતીય નાગરિક પેમા થોંગડોકને હેરાનગતી મામલે ભારતે ચીનને કડક સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. રણધીર જયસ્વાલે જણાવ્યું કે ચીન ભલે ગમે તેટલો ઈનકાર કરે, અરુણાચલની ભારતીય ઓળખ બદલાઈ શકે નહીં. ભારતે આ મનસ્વી કાર્યવાહી સામે દિલ્હી અને બેઇજિંગ બંને જગ્યાએ કડક વિરોધ નોંધાવ્યો છે.
ભારતીય મહિલા મામલે પ્રતિક્રિયા આપતી વખતે ચીને અરૂણાચલને પોતાનો ક્ષેત્ર ગણાવ્યો
શાંઘાઈ એરપોર્ટ પર ભારતીય મહિલાના દાવા પછી ચીને ૨૫ નવેમ્બરના રોજ પ્રતિક્રિયા આપી હતી. ચીને કહ્યું કે, અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ નથી અને તે ચીનનો 'જંગનાન' ક્ષેત્ર છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ દાવો કર્યો કે ઇમિગ્રેશન અધિકારીઓએ મહિલા સાથે કોઈ ગેરવર્તણૂક કરી નથી અને માત્ર કાયદા મુજબ જ પ્રક્રિયા પૂરી કરી હતી. ચીને ભારતીય પાસપોર્ટની કાયદેસરતા અંગે સવાલ ઉઠાવ્યો હતો.
ભારતીય મહિલાને શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાક રોકી રખાતા થયો હતો વિવાદ
બ્રિટનમાં રહેતી ભારતીય મહિલા પેમા વાંગજોમ થોંગડોકે દાવો કર્યો હતો કે શાંઘાઈ એરપોર્ટ પર ૨૧ નવેમ્બરે તેમને 18 કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હતા. ચીની અધિકારીઓએ તેમના પાસપોર્ટને માત્ર એટલા માટે 'ગેરકાયદે' ગણાવ્યો કારણ કે તેમાં જન્મસ્થળ તરીકે અરુણાચલ પ્રદેશ લખેલું હતું. મહિલાએ સોશિયલ મીડિયા પર આ ગેરવર્તણૂક અને હેરાનગતિ અંગેનો કડવો અનુભવ શેર કર્યો હતો.

શેખ હસીના પ્રત્યાર્પણની માંગ કરી રહેલા બાંગ્લાદેશને ભારતે આપ્યો જવાબ
પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરતા બાંગ્લાદેશના ઔપચારિક અનુરોધ પર ભારતે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતને આ ઔપચારિક વિનંતી મળી ગઈ છે અને હાલ તેની વિગતવાર સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત આ મામલાને જવાબદારી અને કૂટનીતિક સંવેદનશીલતા સાથે આગળ વધારી રહ્યું છે.
બાંગ્લાદેશે હસીનાના પ્રત્યાર્પણ માટે ભારતને પત્ર લખ્યો હતો
બાંગ્લાદેશની વચગાળાની સરકારે 17 નવેમ્બરના રોજ ભારતને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલના તાત્કાલિક પ્રત્યાર્પણની ઔપચારિક માંગણી કરી હતી. બાંગ્લાદેશી સરકારે પત્રમાં ૨૦૧૩માં થયેલી દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિનો ઉલ્લેખ કર્યો હતો. આ માંગણી બાંગ્લાદેશી ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT) દ્વારા હસીનાને સંભળાવવામાં આવેલી ફાંસીની સજાના થોડા કલાકો બાદ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશની કોર્ટે શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી હતી
બાંગ્લાદેશની આઇસીટી (ICT) એ 17 નવેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને અસદુઝમાનને માનવતા વિરુદ્ધના અપરાધોના ગુનામાં ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૪ના વિદ્યાર્થી આંદોલનનો ઉલ્લેખ કરીને હસીના પર શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા લોકો પર બોમ્બ ફેંકાવવાનો આદેશ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ ચુકાદો જાહેર થયા બાદ દેશમાં ભારે હોબાળો મચ્યો છે.
ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આર્થિક સહયોગ વધુ મજબૂત કરવા પર ભાર
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અફઘાનિસ્તાન અંગે માહિતી આપી કે તાજેતરમાં અફઘાનિસ્તાનના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ ભારતનો પ્રવાસ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે ભારતીય વિદેશ મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સાથે વિસ્તૃત બેઠકો કરી. અફઘાન મંત્રીએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં પણ ભાગ લીધો, જેમાં બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સહયોગને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો.
અમેરિકાના સાથેના સંબંધો અંગે ભારતે શું કહ્યું?
ભારત-અમેરિકા સહયોગ પર વિદેશ મંત્રાલયે નિવેદન આપતા કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત અને સંસ્થાકીય સહયોગ છે, જે લાંબા સમયથી ચાલી રહેલા કરારો પર આધારિત છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચે ઓપરેશનલ સહયોગમાં નોંધપાત્ર વધારો થયો છે. દ્વિપક્ષીય આદાનપ્રદાન અને સંકલિત અમલ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બની છે.
આ પણ વાંચો : રામમંદિર પર ધ્વજારોહણથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, વાંચો યુએનમાં જઈને શું કરી અપીલ


