10-Minute Delivery Timeline Removed in INDIA : ભારતમાં ગિગ વર્કર્સને થતી મુશ્કેલીઓને લઈને છેલ્લા 1 મહિનાથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ગત 25 ડિસેમ્બરે મોટા પ્રમાણમાં ગિગ વર્કર્સે હડતાળ પણ કરી હતી. વિપક્ષે માંગ કરી હતી કે મામલે સરકારે નિયમો બનાવવા જોઈએ. ત્યારે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો છે.
કેન્દ્ર સરકારે વિવિધ કંપનીઓને નિર્દેશ આપ્યા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે ક્વિક કોમર્સ સેક્ટરની કંપનીઓ સાથે વાત કરી છે. જે બાદ મોટા ભાગની કંપનીઓએ સરકારને આશ્વાસન આપ્યું છે કે, હવેથી જાહેરાતો તથા સોશિયલ મીડિયાથી '10 મિનિટ' ડિલિવરીની મુદત હટાવવામાં આવશે. મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે કેન્દ્ર સરકારે બ્લિંકકિટ, ઝેપ્ટો, સ્વીગી જેવી કંપનીઓ સાથે વાત કરી હતી. જે બાદ હવે વિવિધ કંપનીઓ ગિગ વર્કર્સ માટેની ટાઇમ લિમિટ હટાવશે.
10 મિનિટમાં ડિલિવરીની ટાઇમ લિમિટ હટાવાશે: વિવિધ કંપનીઓએ આપ્યું આશ્વાસન
કેન્દ્ર સરકારે તમામ કંપનીઓને ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષાને સૌથી વધુ પ્રાથમિકતા આપવાના નિર્દેશ આપ્યા છે. સરકારનું માનવું છે કે ડિલિવરી વહેલા કરવાના દબાણમાં લોકોના જીવ જોખમમાં નાંખી શકાય નહીં.
ઘણીવાર ટ્રાફિક નિયમો તોડતા હતા ડિલિવરી પાર્ટનર્સ
નોંધનીય છે કે ભારતમાં નાના-મોટા સામાન તથા ભોજનને લઈને ચાલતી એપ્સમાં સૌથી વધુ ઝડપી ડિલિવરીની હરીફાઈ જામી હતી. કંપનીઓ દાવો કરતી હતી કે ઓર્ડર કર્યાના 10 જ મિનિટમાં સામાન ગ્રાહકના ઘરે પહોંચી જશે. જો સામાન 10 મિનિટમાં ન પહોંચે તો ડિલિવરી પાર્ટનર્સને ઓછા રેટિંગ્સનો સામનો કરવો પડતો હતો. આવી હરીફાઈના કારણે ડિલિવરી પાર્ટનર્સ ઘણીવાર ટ્રાફિક નિયમો તોડતા જોવા મળતા હતા.


