India

ભારતે કદી મધ્યસ્થી સ્વીકારી નથી, સ્વીકારશે પણ નહીં : મોદીએ ટ્રમ્પને કહ્યું

By GS TEAM
19 Jun 20252 mins read
ભારતે કદી મધ્યસ્થી સ્વીકારી નથી, સ્વીકારશે પણ નહીં : મોદીએ ટ્રમ્પને કહ્યું

- ભારતમાં યોજાનારી ક્વૉડ બેઠકમાં હાજર રહેવા ટ્રમ્પ સંમત

- ઓપરેશન સિંદૂર હજુ ચાલુ જ છે, ભારત પાકિસ્તાનને બુલેટ અને બોમ્બથી જવાબ આપશે જ : નરેન્દ્ર મોદીની સ્પષ્ટ વાત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે ૩૪ મિનિટ સુધી ફોન પર ચર્ચા કરી હતી અને તેમાં સ્પષ્ટત: જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજી ચાલુ જ છે. ભારત પાકિસ્તાનને બોમ્બ અને બુલેટથી જવાબ આપશે જ. આ સાથે તેઓએ પ્રમુખ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતે કદી મધ્યસ્થી સ્વીકારી નથી, અને ભવિષ્યમાં પણ કોઇની મધ્યસ્થી સ્વીકારશે નહીં.

પૂર્વ પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓના હસ્તક્ષેપને લીધે તાજેતરનું ભારત પાકિસ્તાન યુદ્ધ બંધ થયું હતું.

ટ્રમ્પના આ દાવાને તદ્દન પાયા વિહોણો કહેતાં મોદીએ કહ્યું હતું કે, વાસ્તવમાં પાકિસ્તાનની સેના તરફથી યુદ્ધ વિરામ માટે (શ્વેત ધ્વજ ફરકાવાતાં) તે યુદ્ધ વિરામ થયો હતો.

આ અંગે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે બુધવારે પ્રમુખ ટ્રમ્પ સાથે થયેલી ફોન પરની ૩૫ મિનિટની વાતચીતમાં કોઈ પણ તબક્કે ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી વિષે વાત થઇ ન હતી. વાતચીતનું કેન્દ્ર ભારત-પાકિસ્તાન વચ્ચે ૭મેથી ૧૦ મે દરમિયાન થયેલાં યુદ્ધ ફરતી જ તે ચર્ચા કેન્દ્રિત થઇ હતી.

તે સર્વવિદિત છે કે પ્રમુખ ટ્રમ્પે એક ડઝનથી વધુ વખત જણાવ્યું હતું કે બંને દેશો સાથે વ્યાપાર બંધ કરવાની મેં ધમકી આપી હોવાથી તે યુદ્ધ તા. ૧૦ મી મેના દિવસે બંધ થયું હતું. તેમજ મેં મધ્યસ્થીની પણ તૈયારી દર્શાવી હતી.

નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના તે દાવાઓને અસ્વીકાર્ય કહેતાં પહેલી જ વખત આવી સ્પષ્ટતા કરી હતી. દરમિયાન મોદીએ ભારતમાં યોજાનારી કવૉડ સમિટમાં ઉપસ્થિત રહેવા ટ્રમ્પને આમંત્રણ આપ્યું હતું જે તેઓએ સ્વીકાર્યું હતું.