ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી
PM Modi NITI Aayog Meeting: આજે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો વિષય '2047માં વિકસિત ભારત માટે વિકસિત રાજ્યો' છે. જેમાં આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.
ટીમ ઈન્ડિયાની જેમ કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી: પીએમ મોદી
આ બેઠક અંગેની જાણકારી નીતિ આયોગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આપી હતી. જેમાં પીએમ મોદીએ એ આ બેઠકમાં કહ્યું કે, 'આપણે વિકાસની ગતિ વધારવી પડશે. જો કેન્દ્ર અને બધા રાજ્યો ટીમ ઈન્ડિયાની જેમ સાથે મળીને કામ કરે, તો કોઈ પણ લક્ષ્ય મુશ્કેલ નથી.'
વિકસિત ભારત એ દરેક ભારતીયનું લક્ષ્ય
પીએમ મોદીએ ભારતના વિકાસનું લક્ષ્ય હાંસલ કરવા બાબતે વાત કરતા કહ્યું કે, 'વિકસિત ભારત એ દરેક ભારતીયનું લક્ષ્ય છે. જ્યારે દરેક રાજ્યનો વિકાસ થશે, ત્યારે ભારતનો વિકાસ થશે. આ તેના 140 કરોડ નાગરિકોની આકાંક્ષા છે. આ માટે દરેક રાજ્યએ ઓછામાં ઓછું એક પર્યટક સ્થળ વસાવવું જોઈએ, જેમાં વૈશ્વિક ધોરણો અનુસાર તમામ સુવિધાઓ અને માળખાગત સુવિધાઓ હોય.'
આ અંગે વડાપ્રધાને વધુમાં કહ્યું કે, 'આપણે 'એક રાજ્ય: એક વૈશ્વિક સ્થળ' ના લક્ષ્ય સાથે આગળ વધવું જોઈએ. આનાથી નજીકના શહેરોના પ્રવાસન સ્થળો તરીકે વિકાસનો માર્ગ મોકળો થશે.'
આ પણ વાંચો: રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, પાકિસ્તાની હુમલાના પીડિતો સાથે કરી મુલાકાત
આ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા ગેરહાજર
નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં કેરળના મુખ્યમંત્રી અને ડાબેરી નેતા પિનરાઈ વિજયને હાજરી આપી ન હતી. તેમજ પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસામી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ભાજપના સાથી પક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ બેઠકમાં ગેરહાજરી રહ્યા હતા.