Get The App

ભારતમાં આફતનું આભ ફાટ્યું: બિહારમાં 6 યુવતીઓ વોટરફોલમાં તણાઈ, હિમાચલમાં અત્યાર સુધી 31ના મોત

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
People died due to Heavy Rains


People died due to Heavy Rains: પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડ તેમજ બિહારમાં ભારે વરસાદના કારણે જાનમાલને નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં હિમાચલમાં ભારે વરસાદ અને વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બિહારમાં 5 લોકોના મોત થયા છે. રવિવારે બિહારના ગયામાં લગુરાહી વોટરફોલમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાને કારણે 6 છોકરીઓ ભારે પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જોકે સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ તત્પરતા દાખવીને બધી છોકરીઓને બચાવી લીધી હતી.

બિહારમાં વોટરફોલમાં 6 યુવતીઓ તણાઈ

આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. લગુરાહી વોટરફોલમાં આનંદ માણવા દર વર્ષે ઘણા લોકો આવે છે એવામાં રવિવારે વાતાવરણ સામાન્ય હોવાથી ઘણા લોકો વોટરફોલની મુલાકાતે આવ્યા હતા. એવામાં અચાનકથી પાણીના પ્રવાહમાં વધારો થતાં 6 છોકરીઓ તણાઈ ગઈ હતી. 

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ

આ ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉત્તરાખંડના ચારધામ માર્ગ પર હવામાનની અસર વધુ જોવા મળી રહી છે. દેહરાદૂનથી બદ્રીનાથ અને કેદારનાથ સુધી ઘણી જગ્યાએ સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. બદ્રીનાથથી વહેતી અલકનંદા અને કેદારનાથથી વહેતી મંદાકિનીનો પ્રવાહ એટલે જોરદાર છે કે રુદ્રપ્રયાગમાં બંને નદીઓના સંગમ પર એવું લાગી રહ્યું છે કે 12 ફૂટ ઊંચી શિવ પ્રતિમાની જટાને સ્પર્શ કરી રહી છે. 

આ પણ વાંચો: પ્રચંડ બહુમતી છતાં મહારાષ્ટ્રની NDA સરકારે હિન્દી વિરોધ સામે ઝૂકવું પડ્યું, જાણો ત્રણ મુખ્ય કારણ

ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા 

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા એક દિવસ માટે રોકી દેવામાં આવી હતી. બીજી તરફ, ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓ માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને હવામાન સંપૂર્ણપણે સાફ ન થાય ત્યાં સુધી સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે શાળાઓમાં સોમવારે રજાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 

ઉત્તરાખંડમાં રેડ ઍલર્ટ

ઉત્તરાખંડમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ છે. હવામાન વિભાગે દેહરાદૂન, ઉત્તરકાશી, ટિહરી, પૌરી, રુદ્રપ્રયાગ, હરિદ્વાર, નૈનિતાલ, ચંપાવત અને ઉધમ સિંહ નગર સહિત કુલ 9 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. 

આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 31 લોકોના મોત, 66 લોકો ઘાયલ અને 4 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું છે કે, 'સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને તમામ નાગરિકોને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. તેમજ વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.' 

ભારતમાં આફતનું આભ ફાટ્યું: બિહારમાં 6 યુવતીઓ વોટરફોલમાં તણાઈ, હિમાચલમાં અત્યાર સુધી 31ના મોત 2 - image
Tags :