સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાન ઘેરાયુઃ હવે ભારતે પણ નોટીસ ફટકારી
- પાકિસ્તાનના પગલાંથી સિંધુ સંધિની જોગવાઈઓને પ્રતિકૂળ અસર થઈ છે
- ભારત અને પાકિસ્તાને 19 સપ્ટેમ્બર 1960માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા
નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી 2023, શુક્રવાર
સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સધિમાં સંશોધનને અનુલક્ષીને ભારતે પાકિસ્તાનને નોટિસ પાઠવી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને અક્ષરશઃ લાગુ કરવામાં ભારત અડગ સમર્થક અને જવાબદાર ભાગીદાર રહ્યું છે. પાકિસ્તાનના પગલાંથી સિંધુ સંધિની જોગવાઈઓને પ્રતિકૂળ અસર થઈ છે. તેથી ભારતને નોટિસ જારી કરવાની ફરજ પડી છે. આ નોટિસનો હેતુ પાકિસ્તાનને સિંધુ જળ સંધિના ઉલ્લંઘનને સુધારવા માટે 90 દિવસની અંદર આંતર-સરકારી વાટાઘાટોમાં પ્રવેશવાની તક પૂરી પાડવાનો છે. આ પ્રક્રિયા સિંધુ જળ સંધિને પણ અપડેટ કરશે કારણ કે છેલ્લા 62 વર્ષોમાં પરિસ્થિતિ બદલાઈ છે.
પાકિસ્તાને સિંધુ જળ સંધિ પર ચર્ચા કરવાનો વારંવાર ઈન્કાર કર્યો છે
ભારત દ્વારા પરસ્પર સહમતિથી આગળ વધવાના વારંવારના પ્રયાસો કરવા છતા પાકિસ્તાને વર્ષ 2017થી 2022 સુધી સ્થાયી સિંધુ કમિશનની 5 બેઠકો દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરવાનો ઈનકાર કર્યો હતો. પાકિસ્તાનના સતત આગ્રહ પર વિશ્વ બેંકે તાજેતરમાં તટસ્થ નિષ્ણાત અને કોર્ટ ઓફ આર્બિટ્રેશન બંને પ્રક્રિયાઓ શરૂ કરી છે. સમાન મુદ્દાઓ પર આવા સમાંતર વિચારો સિંધુ જળ સંધિની કોઈપણ જોગવાઈ હેઠળ આવતા નથી.
શું છે સિંધુ જળ સંધિ?
હકીકતમાં સિંધુ જળ સંધિની જોગવાઈઓ હેઠળ સતલજ, બિયાસ અને રાવીના પાણી ભારતને અને સિંધુ, ઝેલમ અને ચિનાબના પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાને નવ વર્ષની વાટાઘાટો બાદ 19 સપ્ટેમ્બર 1960માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં વિશ્વ બેંક પણ હસ્તાક્ષરકર્તા છે. બંને દેશોના જળ કમિશનરો વર્ષમાં બે વાર મળે છે અને પ્રોજેક્ટ સાઈટ્સ અને મહત્વપૂર્ણ નદીના હેડવર્ક્સની તકનીકી મુલાકાત ગોઠવે છે.