ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર : જાપાન પાછળ
- નીતિ આયોગના સીઈઓએ આંકડા જાહેર કર્યા
- પાંચમા ક્રમે પહોંચી ગયેલા જાપાનના ૪.૧૮૬ લાખ કરોડ ડોલરના જીડીપી સામે ભારતનો જીડીપી ૪.૧૮૭ લાખ કરોડ ડોલર
- અમેરિકા ૩૦.૫૧ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે પ્રથમ ક્રમે, ચીન ૧૯.૨૩ ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જર્મની ૪.૭૪ ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમે
નવી દિલ્હી: ભારતનો જીડીપી વધીને ૪.૧૮૭ ટ્રિલિયન ડોલર થઇ ગયો છે જે જાપાનના જીડીપી ૪.૧૮૬ ડોલર કરતા વધી જતાં ભારત જાપાનને પાછળ મૂકીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે તેમ નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણ્યમે એક નિવેદનમાં જણાવ્યું છે. ૩૦.૫૧ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે અમેરિકા પ્રથમ ક્રમે, ૧૯.૨૩ ટ્રિલિયન ડોલર સાથે ચીન બીજા ક્રમે અને ૪.૭૪ ટ્રિલિયન ડોલર સાથે જર્મની ત્રીજા ક્રમે છે.
'નીતિ આયોગ'ની ગવર્નિંગ કાઉન્સીલની ૧૦મી બેઠકમાં વિકસિત રાજ્ય, વિકસિત ભારત ૨૦૪૭ નામક પરિસંવાદ પછી પત્રકારોને સંબોધતાં સુબ્રમન્યમે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર આઈ.એમ.એફ.ના જણાવ્યા પ્રમાણે ૨૦૨૪ સુધી પાંચમું સૌથી વિશાળ અર્થતંત્ર હતું પરંતુ ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષમાં જ ભારતનું અર્થતંત્ર ૪ ટ્રિલિયન ડોલર્સે પહોંચી ગયું છે. આથી ભારત, યુ.એસ., ચીન અને જર્મનીનાં અર્થતંત્રોથી જ પાછળ રહેશે.
આ સાથે તેઓએ આશા વ્યક્ત કરી હતી કે ૨, ૨.૫, કે મોડામાં મોડાં ૩ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બની રહેશે.
નીતિ આયોગના સીઈઓએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૬ના નાણાંકીય વર્ષ દરમિયાન જ ભારતનું અર્થતંત્ર ૪,૧૮૭.૦૧૭ અમેરિકી ડોલર્સ પહોંચી જશે. ભારતનું અર્થતંત્ર ૨૦૨૫માં ૬.૨ ટકાના દરે અને ૨૦૨૬માં ૬.૩ ટકાના દરે વિકસશે તેમ પણ આઈ.એમ.એફ.ના વર્લ્ડ ઈકોનોમિક આઉટબુકે જણાવ્યું છે. વધુમાં તેમ પણ કહ્યું છે કે ભારતનું અર્થતંત્ર ૨૦૨૫ અને ૨૬માં સૌથી વધુ ઝડપી અર્થતંત્ર બની રહેશે. આઈએમએફે વૈશ્વિક આર્થિક વિકાસ અંગે ઘેરૂં ચિત્ર આપ્યું છે તે જણાવે છે કે ૨૦૨૫માં વૈશ્વિક આર્થિક વિકાસ દર ૨.૮ ટકા છે, જ્યારે ૨૦૨૬માં તે બહુ બહુ તો વધીને ૩.૦ ટકા થવા સંભવ છે.
ભારતની આર્થિક તાકાત અને જાપાનની આર્થિક તાકાતની તુલના કરતાં કેટલાક નિરીક્ષકો કહે છે કે જાપાનનું અર્થતંત્ર ભલે ૪ ટ્રિલિયન ડોલરથી ઓછું રહ્યું હોય પરંતુ તે આશરે ૧૪ કરોડ લોકોમાં વહેંચાયું છે. જ્યારે ભારતનું ૪ ટ્રિલિયનથી વધુ ડોલર્સનું અર્થતંત્ર હોવા છતાં તે ૧૪૦ કરોડ લોકોમાં વહેંચાયેલું છે તે ભૂલવું ન જોઈએ. ભારતને વસતી વધારો ભારે પડે તેમ છે.
- નેટ એફડીઆઇમાં ઘટાડો ભારતમાં રોકાણ અનિશ્ચિતતા દર્શાવે છે : કોંગ્રેસ
નવી દિલ્હી: ભારતમાં શુદ્ધ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) પ્રવાહમાં ઘટાડો દેશમાં રોકાણ સંબધિત મોટી અનિશ્ચિતતાઓને દર્શાવે છે અને મોટી સંખ્યામાં કંપનીઓ વિદેશમાં રોકાણ કરવાનું પસંદ કરી રહી છે. એઆઇસીસીના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના આંકડોઓ પરથી જાણવા મળે છે કે ૨૦૨૪-૨૫માં ભારતનો નેટ એફડીઆઇ પ્રવાહ ૯૬ ટકા ઘટીને માત્ર ૦.૪ અબજ ડોલર રહી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે આ ભારે ઘટાડા અંગે સત્તાવાર રીતે જે કંઇ પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી હોય પણ સાચી વાત એ છે કે આ મોટો ઘટાડો ભારતમાં રોકાણ અંગે ભારે અનિશ્ચિતતા દર્શાવે છે જેના કારણે ફક્ત વિદેશી રોકાણકાર જ નહીં પણ ભારતીય કંપનીઓ પણ હતોત્સાહિત થઇ રહી છે અને હવે તે દેશમાં રોકાણ કરવાને બદલે વિદેશમાં રોકાણ કરવાને પ્રાથમિકતા આપી રહી છે.
- ભારત બેથી અઢી વર્ષમાં જર્મનીને પાછળ મૂકી ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે
આઇએમએફના આંકડા દર્શાવી રહ્યાં છે કે ભારત ટૂંક સમયમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે. એપ્રિલમાં છપાયેલ આઇએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના તાજેતરના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતનો નોમિનલ જીડીપી લગભગ ૪૧૮૭.૦૧૭ બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાની આશા છે. આ જાપાનના સંભવિત જીડીપીથી થોડું વધારે છે. જેનો અંદાજ ૪૧૮૬.૪૩૧ બિલિયન ડોલર છે. જો કરન્ટ પ્રાઇસ (નોમિનલ) જીડીપીના આધારે આઇએમએફના અત્યારના ચાર્ટને જોઇએ તો સ્પુષ્ટ દેખાય છે કે ભારત ૨ થી ૨.૫ વર્ષમાં જર્મનીને પાછળ છોડી દેશે.
- ગામોમાં ઘરેલુ ખર્ચમાં વૃદ્ધિથી ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે
જાન્યુઆરી, ૨૦૨૫માં આઇએમએફએ નાણાકીય વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૬.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ઘરેલુ ખર્ચમાં થઇ રહેલી વૃદ્ધિને કારણે ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. ૨૦૨૫ની શરૂઆતમાં ભારત વિશ્વના જીડીપી રેન્કિંગમાં પાંચમાં ક્રમે હતું જે હવે ચૌથા ક્રમે આવી ગયું છે. ભારતીય અર્થતંત્ર ઇન્ફરમેશન ટેકનોલોજી, સેવાઓ, કૃષિ અને મેન્યુફેકચરિંગ જેવા પ્રમુખ ક્ષેત્રો દ્વારા સંચાલિત છે. બીજી તરફ જર્મની એક વિકસિત અર્થતંત્ર છે અને ત્યાં જીડીપીમાં ભારત જેવો ગ્રોથ સંભવ નથી.