ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવામાં પડોશી દેશ માહેર: UNમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
India at UN: સંયુક્ત રાષ્ટ્ર(UN)ના મંચ પર ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના ખોટા પ્રોપેગૅન્ડાની પોલ ખોલી નાખી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતનો પશ્ચિમી પાડોશી દેશ પોતાની ધાર્મિક ઓળખને હથિયાર તરીકે વાપરે છે અને પોતાના સંકુચિત રાજકીય ફાયદા માટે યુએન જેવા પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યો છે.
માત્ર એક ધર્મ પર ધ્યાન આપવાને બદલે નિષ્પક્ષ રહેવા ભારતની સલાહ
ભારતીય પ્રતિનિધિએ ભારતની વિવિધતા અને સહિષ્ણુતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત એક એવો દેશ છે જ્યાં દુનિયાના લગભગ તમામ મુખ્ય ધર્મના લોકો શાંતિપૂર્ણ રીતે સાથે રહે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ જેવા ચાર મોટા ધર્મોની ઉત્પત્તિ ભારતમાં જ થઈ છે, તેથી ભારત ધાર્મિક ભેદભાવ મુક્ત વિશ્વની જરૂરિયાતને અન્ય કોઈ પણ દેશ કરતા વધુ સારી રીતે સમજે છે. તેમણે યુએનને પણ અરીસો બતાવતા કહ્યું કે, આ સંસ્થાની સ્થાપના ધર્મ અને રાજનીતિથી ઉપર ઉઠીને કામ કરવા માટે થઈ હતી, તેથી કોઈ એક ચોક્કસ ધર્મ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમામ ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતા દૂર કરવા પર ભાર મૂકવો જોઈએ.
પાકિસ્તાનના પ્રોપેગૅન્ડાની પોલ ખોલી
પાકિસ્તાનની બેવડી નીતિ પર પ્રહાર કરતા પી. હરીશે સવાલ ઉઠાવ્યો કે જે દેશ ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ ઘડે છે, તે પોતાના દેશમાં અહમદિયા સમુદાય પર થતા અત્યાચારો અથવા અફઘાન શરણાર્થીઓને બળજબરીથી પાછા કાઢવાની ઘટનાઓને શું નામ આપશે? તેમણે ઓઆઈસી(OIC) જેવા સંગઠનોના દુરુપયોગ અંગે પણ ચેતવણી આપી હતી. અંતમાં ભારતે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં તમામ ધર્મોના લોકો પોતાની મરજીથી પ્રતિનિધિઓ ચૂંટે છે અને યુએનને અપીલ કરી કે તેઓ પોતાનો સમય અને સંસાધનો એવા સમાજના નિર્માણમાં ખર્ચે જ્યાં દરેક વ્યક્તિના અધિકારો સુરક્ષિત હોય.








