ભારતે ચીનમાંથી આયાત થતા ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયુટી લાદી
- ટાઇટેનિયમ ઓકસાઇડ પર ડયુટી લાદવામાં આવી
- સરહદે તણાવ પૂરો થયા પછી પાક.ને મદદ કરનારા દેશો સામે કાર્યવાહીનો પ્રારંભ, હવે તુર્કીયે અને અઝરબૈજાનનો વારો
નવી દિલ્હી : ભારતનો પાક. સાથે સરહદે તનાવ તો ખતમ થઈ ગયો, પરંતુ ભારતે પાક.ને સમર્થન આપનારા દેશોને લક્ષ્યાંક બનાવવા માંડયા છે. ભારતે ચીન પર ટેરિફ બોમ્બ ફોડતા ચીનમાંથી આયાત થતાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ પર એન્ટી ડમ્પિંગ ડયુટી લગાવી છે. આ ડયુટી આગામી પાંચ વર્ષ માટે લગાવાઈ છે. નાણા મંત્રાલયે પ્રતિ ટન ૪૬૦થી ૬૮૧ ડોલર વચ્ચેની એન્ટી ડમ્પિંગ ડયુટીને નોટિફાઈ કરી છે.
આ નિર્ણય ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (ડીજીટીઆર) દ્વારા લેવામાં આવ્યો છે. ટાઇટેનિયમ ઓક્સાઇડનો ઉપયોગ લગભગ બધા જ ઉદ્યોગોમાં કરવામાં આવે છે. તેમા પેઇન્ટ, પ્લાસ્ટિક, કાગળ, ખાદ્ય ઉદ્યોગ સામેલ છે. આના પગલે તેની સાથે સંલગ્ન ભારતીય કંપનીઓ પર આ ચુકાદાની અસર જોવા મળશે. તેમા પણ ખાસ કરીને પેઇન્ટ્સ સાથે જોડાયેલી કંપનીઓ એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સ, શાલિમાર પેઇન્ટ્સ સહિત અન્ય કંપનીઓ ફોકસમાં રહેશે.
આ ઉપરાંત ગ્લોબલ ટ્રેડ વોરના મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે ચાલતી તનાતની પૂરી થઈ ગઈ છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ મુજબ તેમણે ચીન સાથે બે દિવસની બેઠક બાદ સમજૂતી કરી છે. તેના લીધે અમેરિકાને ચીન સાથે ૧.૨ ટ્રિલિયન ડોલરની મહેસૂલી ખાધ ઘટાડવા માટે મદદ મળશે. જો કે તેના કારણે વેપાર ખાધમાં ઘટાડો થશે કે નહીં તેનો ખુલાસો કર્યો નથી. આ ઉપરાંત ટેરિફમાં ઘટાડા અંગે પણ કોઈ સ્પષ્ટ જાહેરાત કરી નથી.
આમ સરહદ પર પાકિસ્તાન સાથેનો તનાવ ખતમ થયા પછી ભારતે તેને સમર્થન આપનારા દેશોને લક્ષ્યાંક બનાવવાનું શરૂ કરી દીધું છે. ભારતનું આગામી લક્ષ્યાંક તુર્કી હોય તો કોઈને આશ્ચર્ય નહીં થાય.