Get The App

વેનેઝુએલા પર ટ્રમ્પના 'કબ્જા'થી ભારતને રૂ. 9000 કરોડના ફાયદાની આશા

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
વેનેઝુએલા પર ટ્રમ્પના 'કબ્જા'થી ભારતને રૂ. 9000 કરોડના ફાયદાની આશા 1 - image


- ઓએનજીસી વેનેઝુએલામાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતી હતી

- વેનેઝુએલામાં ક્રૂડ ઓઈલના ઉત્પાદન બદલ ઓએનજીસીના ૪૦ ટકા ડિવિડન્ડના ૫૩૬ કરોડ ડોલર છૂટા થવાની શક્યતા

- વેનેઝુએલા પાસેથી ૪ કરોડ ડોલરનું ક્રૂડ ઓઈલ ખરીદતા ભારતે અમેરિકન પ્રતિબંધો પછી ખરીદી ઘટાડી

(પીટીઆઈ) નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી આર્મીએ વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી કરી પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી છે. અમેરિકાની આ કાર્યવાહી સામે આખી દુનિયાના દેશોમાં ભારે રોષ છે. ભારત સરકારે પણ ટ્રમ્પના આ પગલાં અંગે ચિંતા વ્યક્ત કરી છે. જોકે, વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ સેક્ટર પર અમેરિકાના 'કબ્જા'થી ભારતને એક અબજ યુએસ ડોલરનો સીધો ફાયદો થવાની શક્યતા છે.

વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ સેક્ટર પર અમેરિકાના નિયંત્રણથી રશિયા સહિત અનેક દેશોનું ટેન્શન વધી ગયું છે ત્યારે ભારત માટે અમેરિકાનું નિયંત્રણ લાભ દાયક બનવાની શક્યતા છે. કેટલાક અહેવાલો મુજબ આગામી સમયમાં વેનેઝુએલામાં અટકેલા ભારતના અંદાજે એક અબજ ડોલર એટલે કે રૂ. ૯,૦૦૦ કરોડના લેણાં પાછા મલી શકે છે. સાથે ભારત વેનેઝુએલામાં ફરી એક વખત ક્રૂડ ઓઈલનું ઉત્પાદન શરૂ કરી શકે છે.

ભારત એક સમયે વેનેઝુએલામાં ક્રૂડ ઓઈલનો મુખ્ય ઉત્પાદક દેશ હતો, જે વેનેઝુએલામાંથી દૈનિક અંદાજે ચાર લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઈલની આયાત કરતું હતું. જોકે, વેનેઝુએલા પર અમેરિકાના આકરા પ્રતિબંધો પછી ભારતે ૨૦૨૨માં લેટિન અમેરિકન દેશ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરી દીધી.

ભારતની મુખ્ય વિદેશી ઉત્પાદક કંપની ઓએનજીસી વિદેશ લિ. (ઓવીએલ) પૂર્વીય વેનેઝુએલામાં સૈન ક્રિસ્ટોબલ ક્રૂડ ઓઈલ ક્ષેત્રનું સંયુક્તરૂપે સંચાલન કરતી હતી, પરંતુ અમેરિકાના પ્રતિબંધોના કારણે મહત્વપૂર્ણ ટેક્નોલોજી, ઉપકરણો અને સેવાઓ સુધી ભારતની પહોંચ મર્યાદિત થઈ ગઈ. તેનાથી વેનેઝુએલામાં ક્રૂડ ઓઈલના ભંડારોમાં ઉત્પાદન અત્યંત ખરાબ પડી અને તે ઘટીને માત્ર દૈનિક ૫,૦૦૦થી ૧૦,૦૦૦ બેરલ સુધી ઘટી ગયું.

વેનેઝુએલા વર્ષ ૨૦૧૪ સુધી ક્રૂડ ઓઈલના સેક્ટરમાં તેના ૪૦ ટકા હિસ્સા પર ઓવીએલને ૫૩૬ કરોડ ડોલરનું ડિવિડન્ડ ચૂકવવામાં નિષ્ફળ રહ્યું હતું. તે પછીના સમય માટે લગભગ  સમકક્ષ રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયું છે, જેના માટે કારાકસે ઓડિટની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. વધુમાં કારાકાસે ઓડિટની પણ મંજૂરી આપી નહીં, જેનાથી આ દાવાઓનો ઉકેલ આવ્યો નથી. હવે વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ ક્ષેત્ર પર અમેરિકાના નિયંત્રણથી ઓએનજીસીને તેના બાકી લેણાં પાછા મળવાની આશા જાગી છે.

હવે નિષ્ણાતો અને ઊર્જા અધિકારીઓ માને છે કે વેનેઝુએલાના ક્રૂડ ઓઈલના ભંડારો પર નિયંત્રણોથી અમેરિકા તેના પ્રતિબંધોમાં ઢીલ મૂકી શકે છે. અમેરિકા વેનેઝુએલા પરના પ્રતિબંધો હળવા કરે તો ઓએનજીસી વિદેશ લિ. ફરી ત્યાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન શરૂ કરી શકે છે. ઓનશોર ફિલ્ડમાં વધુ વેલ્સ અને સારા ઈક્વિપમેન્ટ સાથે દૈનિક ૮૦,૦૦૦થી ૧ લાખ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન થઈ શકે છે.