નવી દિલ્હી, તા.31 ડિસેમ્બર 2019, મંગળવાર
ભારત સરકારે બહાર પાડેલા ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ-2019 પ્રમાણે છેલ્લા ચાર વર્ષમાં ભારતના જંગલ વિસ્તારમાં ઘટાડો નહી બલ્કે વધારો થયો છે. છેલ્લા ચાર વર્ષમાં જંગલ વિસ્તારમાં 13000 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે.
દુનિયાના જે ક્દેશોમાં જંગલો વિસ્તરી રહ્યા છે તેમાં ભારત આગળ છે. દિલ્હીમાં પણ જંગલ વિસ્તારનો વ્યાપ વધ્યો છે. સમુદ્રી વિસ્તારોમાં મેન્ગ્રૂવ ફોરસ્ટ પણ વધ્યા છે.
આ પૈકી છેલ્લા બે વર્ષમાં જ ભારતમાં 5199 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જંગલ વિસ્તર્યુ છે. રિપોર્ટ પ્રમાણે દેશમાં હાલમાં 7.12 લાખ સ્કેવર કિલોમીટર વિસ્તારમાં જંગલ છે અને આ આંકડા દેશના કુલ ભૌગૌલિક વિસ્તારમાં 21.67 ટકા છે. પૂર્વોત્તરના પાંચ રાજ્યોમાં ફોરેસ્ટ કવર ઓછુ થયુ છે. જ્યાં જંગલ વિસ્તારમાં 765 ચોરસ કિલોમીટરનો ઘટાડો થયો છે.
રાજધાની દિલ્હીમાં 2017માં 305 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જંગલ હતુ તે વધીને હવે 324 કિલોમીટરમાં ફેલાયુ છે. સમુદ્ર વિસ્તારમાં મેન્ગ્રોવ ફોરેસ્ટ પણ વધ્યા છે. જેમાં બે વર્ષમાં 54 કિમીનો વધારો થયો છે. જ્યાં આ વધારો થયો છે તેવા રાજ્યોમાં ઓરિસ્સા, ગુજરાત અને મહારાષ્ટ્ર સામેલ છે.
દેશમાં આજકાલ વૃક્ષો વાવવા માટે જે અભિયાનો ચાલી રહ્યા છે તેની અસર જોવા મળી રહી છે. કારણકે જ્યાં પરંપરાગ જંગલ છે તે સિવાયના વિસ્તારોમાં વૃક્ષો વધ્યા છે. દેશના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ 20 ટકાનો ઘટાડો થયો છે.
આ રાજ્યોમાં જંગલો સૌથી વધારે વધ્યા છે
કર્ણાટક 1025 ચોરસ કિમી
આંધપ્રદેશ 990 ચોરસ કિમી
કેરલ 823 ચોરસ કિમી
જમ્મુ કાશ્મીર 371 ચોરસ કિમી
હીમાચલ પ્રદેશ 334 ચોરસ કિમી


