દેશના પ્રથમ મહિલા ડીજીપી કંચન ચૌધરીનું નિધન
- 1973 બેચના આઇપીએસ અધિકારી હતા
- 2004માં ઉત્તરાખંડના ડીજીપી તરીકે ઇતિહાસ રચ્યો હતો
નવી દિલ્હી, તા. 27 ઓગસ્ટ 2019 મંગળવાર
દેશની પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું લાંબી બીમારી બાદ મુંબઇની એક હૉસ્પિટલમાં મરણ થયું હતું.
ઉત્તરાખંડના પોલીસ વડા અશોક કુમારે આ સમાચારને સમર્થન આપ્યું હતું. 1973ના બેચની આઇપીએસ અધિકારી કંચન ચૌધરી ભટ્ટાચાર્યે 2004માં ઉત્તરાખંડના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસનો હોદ્દો સ્વીકારીને એક ઇતિહાસ સર્જ્યો હતો.2007ના ઓક્ટોબરની 31મીએ કંચન નિવૃત્ત થઇ હતી.
2014માં એણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને આપ પક્ષના ઉમેદવાર તરીકે હરિદ્વાર લોકસભા બેઠક પરથી સંસદીય ચૂંટણી લડી હતી. જો કે કંચન આ ચૂંટણી જીતી શક્યાં નહોતાં.એમના અવસાનના સમાચાર જાણીને આપના વરિષ્ઠ નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શોક વ્યક્ત કર્યો હતો.