Get The App

ચીનમાંથી આયાત થતા સોડિયમ સાઇટ્રેટ પરની એન્ટી ડમ્પિંગ ડ્યુટી વધુ પાંચ વર્ષ સુધી લંબાવાઇ

20 મે, 2015ના રોજ સોડિયમ સાઇટ્રેટ પર પાંચ વર્ષ માટે એન્ટી ડમ્પિંગ ડયુટી નાખવામા હતી જેની મુદ્દત 19 મે, 2020ના રોજ પૂર્ણ થઇ

ઘરેલુ ઉદ્યોગોના હિતોના રક્ષણ માટે લેવાયેલો નિર્ણય

Updated: May 20th, 2020

GS TEAM

Google News
Google News


નવી દિલ્હી, તા. ૨૦ચીનમાંથી આયાત થતા સોડિયમ સાઇટ્રેટ પરની એન્ટી ડમ્પિંગ ડ્યુટી વધુ પાંચ વર્ષ સુધી લંબાવાઇ 1 - image

સરકારે ે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં વપરાતા અને ચીનમાંથી આયાત થતા કેમિકલ સોડિયમ સાઇટ્રેટ પરની એન્ટી ડમ્પિંગ ડયુટી વધુ પાંચ વર્ષ સુધી લંબાવી છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઘરેલુ ઉદ્યોગોના હિતોના રક્ષણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ અગાઉ ૨૦ મે, ૨૦૧૫ના રોજ મહેસૂલ વિભાગે ે ચીનમાંથી આયાત થતાં અને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં વપરાતા સોડિયમ સાઇટ્રેટ પર પાંચ વર્ષ માટે એન્ટી ડમ્પિંગ ડયુટી નાખી હતી. જેની મુદ્દત ૧૯ મે, ૨૦૨૦ના રોજ મંગળવારે પૂર્ણ થઇ હતી. આ મુદ્દત પૂર્ણ થતા જ સરકારે વધુ પાંચ વર્ષ માટે ચીનમાંથી આયાત થતાં સોડિયમ સાઇટ્રેટ પર એન્ટી ડમ્પિંગ ડયુટી નાખી દીધી છે. 

કોઇ દેશ દ્વારા અન્ય દેશમાં પોતાના ઉત્પાદનનોને પડતર કિંમત કરતા પણ ઓછા ભાવે વેચવામાં આવે તો તેને ડમ્પિંગ કહેવામાં આવે છે. જેના કારણે જે દેશમાં આ વસ્તુઓ વેચવામાં આવે છે તે દેશના ડોમેસ્ટિક ઉદ્યોગોને ભારે નુકસાન થાય છે અને તેમના અસ્તિત્વ સામે ખતરો ઉભો થાય છે. ઘરેલુ ઉદ્યોગોના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર  આવી વસ્તુઓ પર એન્ટિ ડમ્પિંગ ડયુટી નાખે છે જેના કારણે આ વસ્તુઓ ડોમેસ્ટિક બજારમાં મળતી વસ્તુઓ કરતાં મોંઘી થઇ જાય છે અને ઘરેલુ ઉદ્યોગોના હિતોનું રક્ષણ થાય છે.

ઉલ્લેખનીય છે કે ૩૦ એપ્રિલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ(ડીજીટીઆર)એ સંપૂર્ણ તપાસના અંતે ચીનમાંથી આયાત થતા સોડિયમ સાઇટ્રેટ પર વધુ પાંચ વર્ષ માટે એન્ટી ડમ્પિંગ ડયુટી નાખવાની ભલામણ કરી હતી. ૨૦૨૦માં ચીનની ૨૫ વસ્તુઓે પરની એન્ટી ડમ્પિંગ ડયુટી સમાપ્ત થઇ રહી છે. 

ચીનમાંથી આયાત થતાં સોડિયમ સાઇટ્રેટ ઉપરાંત યુઅસબી ફલેશ ડ્રાઇવ્સ, કેલક્યુલેટર્સ, હોટ રોલ્ડ ફલેટ પ્રોડ્કટ્સ ઓફ સ્ટેનલેસ સ્ટીલ, વિટામિન સી અને ઇ, નાયલોન ટાયર કોડ, મેઝરિંગ ટેપ્સ, કોમ્પેક્ટ ફલુરેસેન્ટ લેમ્પ(સીએફએલ), ફલેક્સ ફેબ્રિક્સ, કોસ્ટિક સોડા, ફલોટ ગ્લાસ, ટેબલવેર, કિચનવેર, પ્લાસ્ટિક પ્રોસેસિંગ મશીનરી અને સોલર સેલ પરની એન્ટી ડમ્પિંગ ડયુટી વધારવાની યોજના છે.


Tags :