Get The App

ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતિમ તબક્કામાં, 27 દેશો સાથે થશે 'મધર ઓફ ઓલ ડીલ્સ'

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતિમ તબક્કામાં, 27 દેશો સાથે થશે 'મધર ઓફ ઓલ ડીલ્સ' 1 - image


Mother Of All Deals : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારત અને 27 દેશોના સમૂહ એવા યુરોપિયન યુનિયન (EU) વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) હવે અંતિમ તબક્કામાં છે. તેમણે આ સમજૂતીને 'મધર ઓફ ઓલ ડીલ્સ' ગણાવતા કહ્યું હતું કે, આ ડીલ ભારત અને EU બંને માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. ગોયલે સંકેત આપ્યો હતો કે, સમજૂતી અંગેની વાટાઘાટો લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને તેની ઔપચારિક જાહેરાત 27 જાન્યુઆરીના રોજ થાય તેવી પ્રબળ શક્યતા છે.

ગણતંત્ર દિવસ પર ખાસ હાજરી

નોંધનીય છે કે, યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એટોનિયો લુઇસ સેન્ટોસ ડા કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન 25 થી 27 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે છે. તેઓ ભારતના 77 મા ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે, જે ભારત અને EU વચ્ચેના ગાઢ સંબંધોનો પુરાવો છે.

નિકાસ ક્ષેત્ર માટે 'સુપર ડીલ'

પીયૂષ ગોયલે જણાવ્યું કે, આ સમજૂતી ભારતીય નિકાસકારો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ભારત અને EU એકબીજાના પ્રતિસ્પર્ધી નહીં પણ પૂરક છે. બંને વચ્ચે વસ્તુઓ તથા સેવાઓનો વ્યાપાર ખૂબ જ સંતુલિત છે, જે આ સમજૂતીને વધુ મજબૂત બનાવે છે.

ભારતની અત્યાર સુધીની સૌથી મોટી વ્યાપારિક સમજૂતી

વર્ષ 2014 પછી એનડીએ સરકાર ઓસ્ટ્રેલિયા, યુએઈ અને બ્રિટન સહિત કુલ 7 દેશો કે જૂથો સાથે વ્યાપાર સમજૂતી કરી ચૂકી છે. જોકે, EU સાથેની આ ડીલ સૌથી મોટી ગણાઈ રહી છે કારણ કે તેમાં ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને સ્પેન જેવા 27 વિકસિત દેશોનો સમાવેશ થાય છે. આ સમજૂતીથી ભારતીય નિકાસકારોને અમેરિકાના ઉંચા ટેરિફ સામે રક્ષણ મળશે અને નવા બજારો પ્રાપ્ત થશે, જેનાથી ચીન પરની નિર્ભરતા પણ ઘટશે.

વ્યાપારના આંકડા

દ્વિપક્ષીય વ્યાપાર (2024-25): 136.53 અબજ ડોલર.

હિસ્સો: ભારતની કુલ નિકાસમાં EUનો હિસ્સો આશરે 17% છે.

બજાર ક્ષમતા: EU આશરે 20 ટ્રિલિયન ડોલરની જીડીપી અને 45 કરોડથી વધુની વસ્તી ધરાવતું વિશાળ બજાર છે.