ભારતની મોટી કાર્યવાહી, સરહદે જામર લગાવી પાક. યુદ્ધ વિમાનોને સેટેલાઈટ સિગ્નલ મળતા અટકાવ્યા
India vs Pakistan Tension : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી વધી ગઇ છે. એવામાં ભારતે પાકિસ્તાનના નેવિગેશન સિસ્ટમ પર પ્રહાર કર્યો છે. ભારતે પાક. સેનાના વિમાનો દ્વારા ઉપયોગમાં લેવાતા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના સિગ્નલ ખોરવવા માટે એડવાંસ્ડ જેમિંગ સિસ્ટમ તૈનાત કરી છે. ભારતના આ વિશેષ જામરોથી પાકિસ્તાની વિમાનોને સેટેલાઇટ સિગ્નલ નહી ંમળે. ભારત ગમે ત્યારે પાક. પર હુમલો કરી શકે છે તેવા અહેવાલો વચ્ચે આ જામર તૈનાત કરાયા છે. બીજી તરફ પાકિસ્તાને કરાચી અને લાહોરમાં એરસ્પેસમાં કેટલાક પ્રતિબંધ મુક્યા છે. મે મહિનામાં દરરોજ ચાર કલાક માટે કરાચી-લાહોરનો એરસ્પેસ બંધ રખાશે. જ્યારે પાકિસ્તાને પોતાના તમામ એરપોર્ટ્સને હાઇએલર્ટ પર રાખ્યા છે. અને વિદેશી ફ્લાઇટો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની વાઘા-અટારી બોર્ડર બંધ કરવા નિર્ણય કર્યો હતો. જોકે જે લોકો આ બોર્ડરેથી પ્રવેશ્યા હોય તેમને પરત પાક. જવા કહ્યું હતું. આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાનની અવળચંડાઇ વધી રહી છે, પાકે. વાઘા-અટારી બોર્ડરે પોતાના ગેટ બંધ કરી દીધા છે. જેને પગલે અનેક પાકિસ્તાની નાગરિકો ભારત તરફી ગેટ પાસે જ ફસાયેલા રહ્યા. અત્યાર સુધીમાં અનેક પાકિસ્તાનીઓ પરત જતા રહ્યા છે પરંતુ હવે પાકિસ્તાને ગેટ બંધ કરી દીધા હોવાથી અન્ય કેટલાક ફસાયા છે જેમના માટે ભારતે દેશ છોડવાની સમય મર્યાદાને વધારી દીધી છે.
કાશ્મીરીઓ માટે ચિંતા હોવાનું નાટક કરતા પાકિસ્તાને પોતાના જ દેશના નાગરિકોનો સ્વીકાર કરવાની ના પાડી દીધી છે. હાલ વાઘા-અટારી બોર્ડરે અનેક પાકિસ્તાનીઓ ફસાયા છે. ગુરુવારે પાકિસ્તાને ગેટ બંધ કર્યા તે પહેલા પાકિસ્તાની રાજદ્વારીઓ સહિત ૧૦૦૦થી વધુ નાગરિકો પાકિસ્તાનમાં પ્રવેશી ચુક્યા હતા. પરંતુ ગુરુવારે અચાનક જ પાકિસ્તાને પોતાના નાગરિકોનો સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી અને ગેટ બંધ કરી દીધા હતા. જેને પગલે કેટલાક પાકિસ્તાનીઓએ બળજબરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો જેમને રોકવા માટે બાદમાં પાકિસ્તાને ગટ આગળ બેરિકેડ્સ ખડકી દીધા હતા. એક દિલ્હીના રહેવાસી મોહમ્મદ શારીકે કહ્યું હતું કે મારી બહેનના લગ્ન કચારીમાં થયા છે. તે હાલ ભારતમાં છે. અમે તેને છોડવા વાઘા બોર્ડરે પહોંચ્યા હતા, જોકે પાકિસ્તાને ગેટ બંધ કરી દીધા છે. હાલ ભારતે આવા ફસાયેલા પાકિસ્તાનીઓના પરત ફરવા માટેની સમય મર્યાદા વધારી દીધી છે.
એક તરફ સરહદે ગેટ બંધ કરી પાકિસ્તાનીઓને સ્વીકારવાની પાકિસ્તાને ના પાડી દીધી છે. બીજી તરફ સરહદે પાકિસ્તાની સેના દ્વારા સતત ગોળીબાર થઇ રહ્યો છે. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળસંધિ અટકાવી દીધી હતી, જે બાદથી સરહદે પાકિસ્તાન દ્વારા ગોળીબાર શરૂ કરાયો હતો, સતત સાતમી રાત્રે પાકિસ્તાની સેના દ્વારા સરહદે બેફામ ગોળીબાર કરાયો હતો. જેનો ભારત દ્વારા આક્રામક જવાબ આપવામાં આવ્યો છે. જમ્મુમાં સંરક્ષણ બાબતોના પ્રવક્તાએ કહ્યું હતું કે કુપવાડા, ઉરી અને અખનૂરમાં પાકિસ્તાની સેના દ્વારા ભારે ગોળીબાર કરાયો હતો. જેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાયો હતો.