Get The App

ભારતે 2025માં 35.7 કરોડ ટન ખાદ્યાન્ન પેદા કરી ઈતિહાસ રચ્યો

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
ભારતે 2025માં 35.7 કરોડ ટન ખાદ્યાન્ન પેદા કરી ઈતિહાસ રચ્યો 1 - image


મન કી બાતમાં વડાપ્રધાન મોદીની જાહેરાત

દેશના યુવાનો મંગળ ગ્રહ પર ડ્રોન ઉડાવવાની તૈયારી કરી રહ્યા છે : સ્પોર્ટ્સમાં અસાધારણ સિદ્ધિ મેળવી

નવી દિલ્હી: ભારતે વર્ષ ૨૦૨૫માં ૩૫.૭ કરોડ ટન ખાદ્યાન્ન પેદા કરીને ઈતિહાસ રચ્યો છે. દેશની કૃષિ વૃદ્ધિ માટે આ સિમાચિહ્ન અભૂતપૂર્વ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું. પીએમ મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ઈસરોની અનોખી ડ્રોન સ્પર્ધા અને જેન-ઝીના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક કાર્યક્રમ મન કી બાતના ૧૨૮મા એપીસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં ભારતે ખાદ્યાન્નનું ઉત્પાદન ૧૦ કરોડ ટન વધાર્યું છે, જે કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં ભારતનું મજબૂત પગલું દર્શાવે છે. તેમણે નેચરલ ફાર્મિંગ પર વિશેષ ભાર મૂકતા કહ્યું કે, તમિલનાડુના કોઈમ્બતુરમાં યોજાયેલા નેચરલ ફાર્મિંગ પ્રદર્શનના પ્રયાસો પ્રશંસનીય છે.

પીએમ મોદીએ ઈસરોની ડ્રોન સ્પર્ધાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતની અવકાશ સંસ્થા ઈસરોએ થોડા દિવસ પહેલાં અનોખી ડ્રોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આપણા દેશના યુવાનો અને વિશેષરૂપે જેન-ઝીએ મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિઓમાં ડ્રોન ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો. મંગળ પર જીપીએસ ઉપલબ્ધ નહીં હોવાના કારણે ડ્રોને સંપૂર્ણપણે પોતાના કેમેરા અને ઈનબિલ્ટ સોફ્ટવેરની મદદથી જ દિશા, ઊંચાઈ અને અવરોધોનો અંદાજ લગાવવાનો હોય છે. 

આ સ્પર્ધાએ બતાવ્યું કે, ભારતના યુવાનો મંગળ ગ્રહ પર ડ્રોન ઉડાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ભારતની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, નવેમ્બર મહિનો સ્પોર્ટ્સમાં ભારતીય મહિલાઓ માટે વિશેષ રહ્યો. મહિનાની શરૂઆતમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ વન-ડે ક્રિકેટમાં વર્લ્ડ કપ જીત્યો હતો. આ સિવાય મહિલાઓએ બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ પણ જીત્યો હતો. વર્લ્ડ બોક્સિંગમાં પણ ભારતે ૨૦ મેડલ જીત્યા.

Tags :