પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય
Pahalgam Terrorist Attack: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ભારત સરકારે બુધવારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે ભારતે પાકિસ્તાન માટે પોતાનું આગામી 23 મે સુધી એરસ્પેસ બંધ કરી દીધું છે. જેથી પાકિસ્તાનની કોઈપણ ફ્લાઈટ્સ ભારતમાંથી જઈ શકશે નહીં.
બુધવારે, ભારતે એક NOTAM (નોટિસ ટૂ એરમેન) જારી કરીને પાકિસ્તાનમાં નોંધાયેલા, સંચાલિત અને માલિકીના તમામ વિમાનો માટે પોતાના હવાઈ ક્ષેત્રને બંધ કરવાની જાહેરાત કરી. પાકિસ્તાની વિમાનો પરનો આ પ્રતિબંધ 30 એપ્રિલથી 23 મે, 2025 સુધી ચાલુ રહેશે.
એરસ્પેસ પર પ્રતિબંધથી પાકિસ્તાન પર શું અસર પડશે?
આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતે હવે સત્તાવાર રીતે તેના હવાઈ ક્ષેત્રને પ્રતિબંધિત કરી દીધું છે, જેના કારણે પાકિસ્તાની એરલાઇન્સને કુઆલાલંપુર જેવા દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો સુધી પહોંચવા માટે ચીન અથવા શ્રીલંકા જેવા દેશો થઈને લાંબો માર્ગ અપનાવવાની ફરજ પડી છે. અગાઉ, જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું.