ભારતના આ 3 દુશ્મન દેશો સાથેના વિવાદ વચ્ચે અમેરિકાની મોટી ગેમ ! ગુપચુપ ગિલગિટ-બાલિસ્તાન પહોંચ્યા US રાજદુત
અમેરિકાના રાજદુતે પાકિસ્તાનની મુલાકાત લેતા પહેલા ચીન-પાકિસ્તાન CPEC પ્રોજેક્ટ પણ નિહાળ્યો હોવાનો ખુલાસો
તાજેતરમાં જ અમેરિકાએ આતંકી નિજ્જરની હત્યા મામલે કેનેડાને ગુપ્ત માહિતી મોકલી હોવાનો સ્ફોટક ખુલાસો થયો હતો
નવી દિલ્હી, તા.26 સપ્ટેમ્બર-2023, મંગળવાર
ભારતનો વર્ષોથી પાકિસ્તાન (India - Pakistan Controversy) સાથે વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે ચીન (India - China Controversy) સાથે જ આવી જ સ્થિતિ છે. જ્યારે તાજેતરમાં જ કેનેડા (India - China Controversy) સાથે ખાલિસ્તાની વિવાદ મામલે સંબંધો બગડ્યા છે. પાકિસ્તાન આતંકવાદીઓને જ્યારે કેનેડા ખાલિસ્તાનીઓને આશ્રરો આપી રહ્યું છે. એટલું જ નહીં ખાલિસ્તાનીઓ ઘણા સમયથી ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે ઈસ્લામાબાદમાં અમેરિકાના રાજદુત ડેવિડ બ્લોમે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ની ચુપચાપ મુલાકાત લીધા બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. તો બીજીતરફ તાજેતરમાં જ અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે (The New York Times) અમેરિકાએ જ કેનેડાને આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યા મામલે ગુપ્ત માહિતી મોકલી હોવાનો સ્ફોટક ખુલાસો કર્યો હતો, ત્યારે આ તમામ બાબતો વચ્ચે ભારત-કેનેડા-પાકિસ્તાન વિવાદ મામલે અમેરિકા (America) મોટી ગેમ રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પાકિસ્તાનમાં અમેરિકાના રાજદુતની એન્ટ્રી બાદ વિવાદ, કાશ્મીરનો કર્યો ઉલ્લેખ
ઈસ્લામાબાદમાં અમેરિકાના રાજદુત ડેવિડ બ્લોમ (US Ambassador David Blome)એ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ની ગુપચુપ મુલાકાત લીધા બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ડેવિડ બ્લોમ તાજેતરમાં જ ગિલગિટ-બાલિસ્તાન (Gilgit Baltistan)ની 6 દિવસની યાત્રા પર ગયા હતા અને જુદા જુદા વિસ્તારોમાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. આ યાત્રા અંગે મોટાભાગની માહિતી ગુપ્ત રાખવામાં આવી હતી. ડેવિડ બ્લોમે કયા કારણોસર પાકિસ્તાનની મુલાકાત કરી અને ત્યાં કઈ બાબતે ચર્ચાઓ કરવામાં આવી, તે અંગેની કોઈપણ ગુપ્ત માહિતી બહાર આવી ન હતી. ગિલગિટ-બાલ્ટિસ્તાનના ડેપ્યુટી સ્પીકરના કાર્યાલયે નિવેદન બહાર પાડ્યું, ત્યાં સુધી તેમની મુલાકાત વિશે કોઈ માહિતી બહાર આવી ન હતી.
પાકિસ્તાન ગયેલા US રાજદુત અંગે ભારત સ્થિત અમેરિકી રાજદુતે શું કહ્યું ?
ભારતના અમેરિકી રાજદુત ગાર્સેટીએ જણાવ્યું કે, ‘પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂત પર પ્રતિક્રિયા આપવી મારુ કામ નથી, પરંતુ હું જાણું છું કે, તેઓ પહેલા પણ આવી ચુક્યા છે અને દેખીતી રીતે તેઓ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં યોજાયેલ જી20માં પણ અમારા પ્રતિનિધિ મંડળનો હિસ્સો હતા. તેમણે કહ્યું કે, અમે વાતચીત ચાલુ રાખીશું, પરંતુ ભારત અને પાકિસ્તાને જ વિવાદ ઉકેલવો જોઈએ, કોઈ ત્રીજા પક્ષ દ્વારા નહીં...
અમેરિકી રાજદુત ચીનનો CPEC પ્રોજેક્ટ પણ જોવા ગયા હતા
રિપોર્ટ મુજબ બ્લોમે ગિલગિટ-બાલિસ્ટાનની યાત્રાના થોડા દિવસે પહેલા બંદર શહેર ગ્વાદરની પણ મુલાકાત લીધી હતી અને આ જ ગ્વાદર પર ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતિમ રૂપ આપી રહ્યો છે. આ બંદર બલૂચિસ્તાન વિસ્તારમાં આવેલું છે. આ બંદર પર ચીન અને પાકિસ્તાન મળીને 3000 કિમી લાંબો ઇકોનોમિક કોરિડોર બનાવી રહ્યા છે.
US રાજદુતની પાકિસ્તાન યાત્રા અંગે વિપક્ષી નેતાએ ઉઠાવ્યા સવાલ
અહેવાલો મુજબ અમેરિકી રાજદુતની પાકિસ્તાન યાત્રા અંગે ગિલગિટ-બાલિસ્તાનમાં વિપક્ષના નેતા કાજિમ મેસુમે સવાલ ઉઠાવ્યા છે. મેસુમે ગિલગિટ-બાલિસ્ટાન વિધાનસભામાં શુક્રવારે કહ્યું હતું કે, અમેરિકી રાજદુતની ગુપચુપ યાત્રા અંગે અહીંની સરકારને જાણ નથી, જેના કારણે ઘણા સવાલો ઉઠ્યા છે. તેમણે કહ્યું કે, કોઈપણ દેશના રાજદુતની ક્ષેત્રની મુલાકાત અંગે નિર્ધારિત પ્રક્રિયા હોય છે.
અમેરિકાએ કેનેડાને ગુપ્ત માહિતી આપ્યા બાદ ભારત સાથે થયો વિવાદ ?
ઉલ્લેખનિય છે કે, ન્યુયોર્ક ટાઈમ્સે અમેરિકાએ હરદીપ સિંહ નિજ્જર મામલે કેનેડાને ગુપ્ત માહિતી શેર કરી હોવાનો તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો. રિપોર્ટમાં જણાવ્યું હતું કે, વૈંકૂવર વિસ્તારમાં એક શિખ અલગાવવાદી નેતાની હત્યા બાદ ગુપ્તચર એજન્સીઓએ કેનેડાને સૂચના મોકલી હતી, જોકે કેનેડાએ છેલ્લી ઘડીએ ભારત વિરુદ્ધ ગુપ્ત માહિતી તૈયાર કરી અને તેના આધારે જ ભારત પર હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવાયો...
ભારતના 3 દુશ્મન દેશો સાથે ચાલતા વિવાદ વચ્ચે અમેરિકાની મોટી ગેમ ?
ઉલ્લેખનિય છે કે, ભારતનો પાકિસ્તાન અને ચીન સાથે હંમેશા વિવાદ ચાલતો રહ્યો છે, પાકિસ્તાન અને ચીન હંમેશા ટિખરખોરી કરતા રહ્યા છે. ઉપરાંત કેનેડા સાથે તાજેતરમાં જ ભારતના સંબંધો બગડ્યા છે... આ તમામ વિવાદો વચ્ચે અમેરિકાના રાજદુતની પાકિસ્તાન મુલાકાત, તે પહેલા ચીન સીપીઈસી પ્રોજેક્ટની મુલાકાત અને ત્યારબાદ અમેરિકા દ્વારા કેનેડાને ગુપ્ત રિપોર્ટ સોંપવાનો મામલો સામે આવેલો છે... ત્યારે ભારતના આ 3 દુશ્મન દેશો સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકા મોટી ગેમ રમી રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.