કામકાજને કારણે હવે મતદાન ચૂકો નહિ: રિમોટ વોટિંગ માટે ચૂંટણી પંચનો નવતર પ્રયોગ
નવી દિલ્હી,તા. 29 ડિસેમ્બર 2022, ગુરુવાર
ચૂંટણી પંચ ઘરેલુ પરપ્રાંતિય મતદારો માટે નવી સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. આ નવી સુવિધા પ્રમાણે હવે ચૂંટણી દરમિયાન સ્થળાંતરિત મતદારોએ તેમના મત આપવા માટે ગૃહ રાજ્યમાં જવું પડશે નહીં. ચૂંટણી પંચ આ માટે રિમોટ વોટિંગ સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યું છે. જેની જાહેરાત ઇલેક્શન કમિશને ગુરુવારે કરી હતી.
Election Commission of India (ECI) develops prototype Multi-Constituency Remote Electronic Voting Machine (RVM) which can handle multiple constituencies from a single remote polling booth. So, migrant voters need not travel back to their home states to vote: ECI pic.twitter.com/KixvzEEzmq
— ANI (@ANI) December 29, 2022
ચૂંટણી પંચે ગુરુવારે જણાવ્યું હતું કે, તેણે ઘરેલું સ્થળાંતરિત મતદારો માટે મલ્ટી-વિભાગના રિમોટ ઇવીએમ તૈયાર કર્યા છે. તે એક જ રિમોટ પોલિંગ બૂથથી 72મત વિસ્તારોને સંભાળી શકે છે. પંચે 16મી જાન્યુઆરીએ તમામ પક્ષો માટે તેનો લાઈવ ડેમો પણ રાખ્યો છે.
વિશેષતા શું છે
RVM એક જગ્યાએથી 72 મતવિસ્તાર સંભાળી શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના જણાવ્યા અનુસાર, ચૂંટણીને લઈને યુવાનો અને શહેરી વિસ્તારોમાં રહેતા લોકોમાં ઉદાસીનતાને જોતા આની જરૂરિયાત અનુભવાઈ હતી.
કમિશને એમ પણ કહ્યું છે કે હાલમાં વિવિધ રાજ્યોમાં રહેતા સ્થળાંતરનો કોઈ કેન્દ્રીય ડેટાબેઝ નથી. 2019ની સામાન્ય ચૂંટણીમાં 67.4 ટકા મતદાન થયું હતું અને 30 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં નથી તે અંગે કમિશન ચિંતિત છે.
મોટાભાગે મતદાર ઘરના રાજ્યની બહાર ક્યાંય પણ મતદાર તરીકે પોતાની નોંધણી કરાવતો નથી અને પૈસા અને સમયની બચત સહિતના વિવિધ કારણોસર મત આપવા હોમ ટાઉન પણ જાય છે. જેની સીધી અસર વોટ ટકાવારી પર પડી છે. આ સમસ્યાઓનો સામનો કરવા માટે, કમિશન આરવીએમનો ખ્યાલ લઈને આવ્યો છે.
ઈવીએમ
1977માં, ચૂંટણી પંચે બેલેટ પેપર દ્વારા મતદાનની જટિલ અને કંટાળાજનક પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, હૈદરાબાદ સ્થિત ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ECIL) ને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) બનાવવાની જવાબદારી સોંપી હતી.
કંપનીએ 1979માં BHEL, બેંગલુરુની મદદથી તેનો પ્રોટોટાઈપ તૈયાર કર્યો હતો. આ પછી, 1980માં, ચૂંટણી પંચે તેને રાજકીય પક્ષો સમક્ષ રજૂ કર્યું હતુ. કેરળમાં 1982ની ચૂંટણીમાં સૌપ્રથમ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 1998માં દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં તેનો મર્યાદિત સંખ્યામાં ઉપયોગ થયો હતો. 2001 બાદ વિધાનસભા ચૂંટણીઓ અને 2004ની લોકસભા ચૂંટણીમાં 543 સંસદીય મતવિસ્તારોમાં મતદાન માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.