Get The App

યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયા પાસેથી 168 અબજ ડોલરનું ક્રૂડ ખરીદ્યુ

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયા પાસેથી 168 અબજ ડોલરનું ક્રૂડ ખરીદ્યુ 1 - image

- રશિયા યુક્રેન યુદ્ધ પછી ક્રૂડ વેચી 1.16 લાખ કરોડ ડોલર કમાયું

- ચીને રશિયા પાસેથી 245 અબજ ડોલરના ક્રૂડ, 50 અબજ ડોલરના કોલસાની અને 48 અબજ ડોલરના ગેસની ખરીદી કરી

નવી દિલ્હી : ભારતે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી રશિયા પાસેથી ૧૪૪ અબજ યુરો એટલે કે ૧૬૮ અબજ ડોલરનું ક્રૂડ ઓઇલ ખરીદ્યુ છે. જ્યારે રશિયા આટલા સમયગાળામાં ઓઇલ અને ગેસની અનામતોમાંથી ૧.૧૬ લાખ કરોડ ડોલર કમાયું હોવાનું યુરોપીયન થિન્ક ટેન્કનું માનવું છે. આમ ભારત રશિયા પાસેથી ૨૪૫ અબજ ડોલરનું ક્રૂડ ખરીદનારા ચીન પછી બીજા નંબરનું મોટું આયાતકાર હતું. 

યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ચીને રશિયા પાસેથી ૨૪૫ અબજ ડોલરના રશિયન ઓઇલ ઉપરાંત ૫૦ અબજ ડોલરનો કોલસો અને ૪૭ અબજ ડોલરનો ગેસ ખરીદ્યો છે. આમ ચીનની રશિયા પાસેથી કુલ ખરીદી ૩૪૨ અબજ ડોલરને આંબી જાય છે. યુરોપીયન યુનિયને પણ રશિયા પાસેથી  ૨૫૪ અબજ ડોલરની આયાત કરી છે. તેમા ૧૨૩ અબજ ડોલરની આયાત ઓઇલની છે અને ૧૨૬ અબજ ડોલરની આયાત ગેસની છે. આ સિવાય પાંચ અબજ ડોલરના કોલસાની આયાત કરી છે. આમ પહેલી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં રશિયા આખા વિશ્વમાં ઓઇલ, ગેસ અને કોલસાના વેચાણ દ્વારા ૧.૧૬ લાખ કરોડ રૂપિયા કમાઈ ચૂક્યુ હતુ. આ ઓઇલ વેચાણની કમાણીમાંથી જ રશિયા યુદ્ધ જારી રાખી શક્યું છે.

મોસ્કોના યુક્રેન પર હુમલાના જવાબમાં અમેરિકા, યુકે, કેનેડા, જાપાન, ઇટાલી, ફ્રાન્સ અને જર્મની તથા ઇયુ સહિતના દેશોએ રશિયા પર નિકાસ પ્રતિબંધો લાદ્યા હતા. જો કે આ પ્રતિબંધોને યુએન સિક્યોરિટી કાઉન્સિલની મંરુરી મળી નથી. ચીન, ભારત, ઇરાન અને યુએઈ, ઇઝરાયેલ અને સાઉદી અરેબિયા સહિતના દેશોએ આ રીતે એકતરફી ધોરણે લાદવામાં આવેલા પ્રતિબંધોનો વિરોધ કરતા યુએનમાંથી તે પસાર થઈ શક્યા નથી. તેના કારણે હાલમાં રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધ ફક્ત જી-૭ દેશોના જ છે.

ઉલ્લેખનીય છે કે ભારત પરંપરાગત રીતે મધ્યપૂર્વમાંથી ક્રૂડ ઓઇલ લેતુ હતુ, યુક્રેન યુદ્ધ પૂર્વે ભારતની કુલ આયાતમાં રશિયાનો હિસ્સો એક ટકાથી પણ ઓછો એટલે કે ૦.૨ ટકા હતો, પરંતુ યુક્રેન યુદ્ધ શરુ થયા પછી રશિયા પર પશ્ચિમી દેશોએ પ્રતિબંધો લાદતા રશિયાએ ભારતને જંગી ડિસ્કાઉન્ટ ઓફર કર્યુ હતુ. ૨૦૨૨માં ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૮૦થી ૮૫ ડોલરની વચ્ચે રહેતો હતો તે વખતે રશિયાએ ભારતને પ્રતિ બેરલ ૬૦ ડોલરના ભાવે ક્રૂડની ઓફર કરતાં ભારતે વિપરીત સ્થિતિમાં તકનો ફાયદો ઉઠાવી સસ્તા ભાવે ખરીદી શરુ કરી હતી. તેના પગલે ભારતની ક્રૂડ ઓઇલની કુલ આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ ૪૦ ટકાને વટાવી ગયો હતો.