Get The App

ભારતે ચિનાબનું પાણી રોકતા પાક.ને સત્ર બોલાવવાની ફરજ

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
ભારતે ચિનાબનું પાણી રોકતા પાક.ને સત્ર બોલાવવાની ફરજ 1 - image


- દસ દિવસથી પાક. સૈનિકોનો સરહદ પર સતત ગોળીબાર, ભારતીય સૈન્યને ઉશ્કેરવાના પ્રયાસો

- પાકે. પીઓકેમાં બંકરો બનાવવાનું શરૂ કર્યું, ઘરોને સૈન્ય ચોકીઓ જ્યારે અનેક મદરેસાઓને હોસ્પિટલોમાં ફેરવવામાં આવ્યા

- ચિનાબ બાદ હવે ઝેલમનું પાણી રોકવાની તૈયારી, એર ચીફ માર્શલ એ.પી. સિંઘની મોદી સાથે બેઠક

- પહલગામ હુમલાને ૧૨ દિવસ છતાં આતંકીઓ ફરાર

નવી દિલ્હી/ઇસ્લામાબાદ: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ બેફામ ગોળીબાર કરીને અનેક પર્યટકોનો ભોગ લીધો હતો. આ હુમલો ૨૨મી એપ્રીલના રોજ થયો હતો, જેને બે સપ્તાહનો સમય વીતી ગયો હોવા છતા હુમલાખોર આતંકીઓની કોઇ જ જાણકારી નથી મળી શકી. સેના, પોલીસ અને એજન્સીઓ છેલ્લા ૧૨ દિવસથી આતંકીઓને શોધી રહી છે. જ્યારે પહલગામ હુમલા બાદ તરત જ પાકિસ્તાન સેનાએ સરહદે ગોળીબાર શરૂ કરી દીધો હતો જે હજુ પણ ચાલુ છે. સતત ૧૦મી રાત્રે પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરની પાક. સરહદે ગોળીબાર કર્યો હતો અને ભારતીય સેનાને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. એવામાં ભારતે સિંધુ જળસંધિ અટકાવી પાક. તરફ જઇ રહેલા પાણીને રોકવાનું રવિવારથી શરૂ કરી દીધુ છે.  

પ્રાપ્ત માહિતી મુજબ ભારતથી પાકિસ્તાન તરફ વહેતી ચિનાબ નદીનું પાણી બગલિહાર ડેમ પર અટકાવી દેવામાં આવ્યું છે. જ્યારે અન્ય એક પાક. તરફ વહેતી ઝેલમ નદીનું પાણી કિશનગંગા ડેમ પર રોકવાની તૈયારી ચાલી રહી છે. હાલ જમ્મુના રામબનમાં આવેલા બગલિહાર અને ઉત્તરીય કાશ્મીરના કિશનગંગા હાઇડ્રો પાવર ડેમ દ્વારા ભારત પાક. તરફ જતા પાણીના સ્તરને પોતાની ઇચ્છા મુજબ વધારી, ઘટાડી કે બંધ પણ કરી શકે છે. તેથી આ ડેમની મદદથી કોઇ પણ પ્રકારની તૈયારી વગર જ પાણી રોકી પણ શકાય છે સાથે જ પૂર ઝડપે છોડી પણ શકાય છે. ભારતના આ પગલાથી પાકિસ્તાનમાં પૂરની સાથે દુષ્કાળ એમ બેવડા ઘા પડી શકે છે. નિષ્ણાતોનો દાવો છે કે ચિનાબ નદીનું પાણી રોકી લેવાથી પાકિસ્તાનમાં કૃષિ અને પર્યાવરણ બન્નેને મોટો ફટકો પડી શકે છે. 

ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરશે તેવી પાકિસ્તાનને પુરી ખાતરી છે જેને પગલે હાલ પીઓકેમાં યુદ્ધને પહોંચી વળવા માટેની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ અચાનક જ મધરાત્રે મોટો નિર્ણય લીધો હતો અને સોમવારે સાંજે પાંચ વાગ્યે સંસદનું ઇમર્જન્સી સત્ર બોલાવ્યું છે. પાક. સરકાર દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના બંધારણે આપેલા અધિકારોનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ ઇસ્લામાબાદમાં સ્થિત પાક.ના સંસદ ભવનમાં સોમવારે પાંચ તારીખે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રીય એસેમ્બલીની બેઠક બોલાવી છે. આ સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષ ભારતના ભાવી હુમલાની તૈયારી અંગે ચર્ચા કરી શકે છે. સાથે જ ભારતે હવે સિંધુ જળસંધિ સસ્પેન્ડ કરીને પાક.ને મળતું પાણી અટકાવી દીધુ છે તે મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવશે. ભારતના આ પગલાની ટિકા કરવા માટે પાક. સંસદમાં એક ઠરાવ પણ પસાર કરવામાં આવી શકે છે. 

હાલ પાકિસ્તાને ભારતના સંભવિત હુમલાની સામે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવા અહેવાલો છે કે પીઓકેમાં મદરેસાઓને હોસ્પિટલોમાં ફેરવવામાં આવી રહ્યા છે. સાથે જ મદરેસાના વિદ્યાર્થીઓને યુદ્ધ સમયે સૈનિકોને મદદ પહોંચાડવાની તાલિમ પણ આપવામાં આવી રહી છે. એટલુ જ નહીં પીઓકેમાં બંકરોનું ખોદકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ નાગરિકોના ઘરોને ખાલી કરાવીને તેને સેનાની ચોકીમાં ફેરવવામાં આવી રહ્યા છે. યુવાઓને હથિયારોની તેમજ ઇમર્જન્સી ટ્રીટમેન્ટની તાલિમ આપવામાં આવી રહી છે. ખૈબર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં યુદ્ધ સાયરન પણ લગાવવામાં આવ્યા છે. પીઓકેમાં ગુપ્ત બંકરો તૈયાર કરવામાં આવ્યા છે. પાકિસ્તાનને એવો પણ ડર સતાવી રહ્યો છે કે ભારત જો યુદ્ધ છેડશે તો તેમાં પીઓકે (પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર)ને પરત મેળવી લેશે. તેથી હાલ પીઓકેમાં પાક. સરકાર અને સેના પુરુ ધ્યાન આપવા લાગી છે. 

દરમિયાન પહલગામ હુમલાને ૧૨ દિવસ પસાર થઇ ચુક્યા છે. હજુસુધી આ હુમલાના પીડિતોને ન્યાય નથી મળ્યો, કેમ કે આતંકીઓની કોઇ જ માહિતી હજુસુધી નથી મળી શકી. હાલ પહલગામ અને તેની આસપાસની ઘાટીમાં સેના દ્વારા મોટા પાયે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીફ ઓફ એર સ્ટાફ એર ચીફ માર્શલ એ.પી. સિંઘની સાથે બેઠક યોજી હતી. અને હાલની સરહદની સ્થિતિ તેમજ સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી.

Tags :