બિહારમાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં પણ વિપક્ષમાં તિરાડ? રાઉતે કહ્યું- કોણ શું વિચારે છે તેનાથી ફરક નથી પડતો

Sanjay Raut Rejects Congress Objections on Sena–MNS Unity : બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનના પરાજય બાદથી જ ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડની અટકળો શરુ થઈ ગઈ છે. કોંગ્રેસ સિવાયના પક્ષોમાં ધીમે ધીમે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. એવામાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે પણ કોંગ્રેસને આંચકો આપ્યો છે. રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના એક થતી હોય તો કોંગ્રેસ શું વિચારે છે તેનાથી કોઈ ફરક નથી પડતો.
કોંગ્રેસ પર દબાણ બનાવવા રાઉતનો પ્રયાસ?
રાઉતે કહ્યું છે, કે કોંગ્રેસ જે કોઈ પણ નિર્ણય તે તેમનો અંગત નિર્ણય છે. પણ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેનો પક્ષ કોઈની પરવાનગી લેવાની રાહ નહીં જુએ. લોકોની ઇચ્છા છે કે શિવસેના અને MNS સાથે આવે. અમને કોઈના આદેશ અને અનુમતિની જરૂર નથી. શરદ પવાર અને લેફ્ટ પાર્ટીઓ પણ સાથે જ છે.
શરદ પવાર પણ રાજ ઠાકરેને આવકારવા તૈયાર
બીજી તરફ શરદ પવાર જૂથ તરફથી પણ એવા સંકેત મળ્યા છે કે જો રાજ ઠાકરે મહા વિકાસ આઘાડીમાં સામેલ થાય તો તે તેમને આવકારશે. જિતેન્દ્ર આવહાડે કહ્યું છે કે તમામ સ્વાભાવિક મિત્રોએ સાથે આવું જોઈએ. સમાજવાદી, કોમ્યુનિસ્ટ, આંબેડકરવાદી પક્ષોના કાર્યકરોની માંગ છે કે આપણે સાથે મળીને લડવું જોઈએ.
કોંગ્રેસના સ્થાનિક નેતાઓનો હુંકાર
નોંધનીય છે કે વર્ષોથી કોંગ્રેસ મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેના પક્ષનો વિરોધ કરતી આવી છે અને બંનેની વિચારધારા પણ જુદી છે. પણ મુંબઈની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ગઠબંધન કરવા માંગે છે. બીજી તરફ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ માંગ કરી રહ્યા છે કે કોંગ્રેસે એકલા હાથે જ ચૂંટણી લડવી જોઈએ.

