ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: NDAના રાધાકૃષ્ણન સામે વિપક્ષે સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર
Vice President Election: કેન્દ્ર સરકારના એનડીએ ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃ઼ષ્ણનની પસંદગી કર્યા બાદ વિપક્ષે અનેક મથામણોના અંતે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કર્યું છે. I.N.D.I.A ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. જેના પરિણામ તે જ દિવસે જાહેર થશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને યોજાયેલી વિપક્ષની બેઠકમાં અનેક ચર્ચા-વિચારણાના અંતે બી સુદર્શન રેડ્ડીની પસંદગી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે, વિપક્ષમાં આ પદ માટે ઉમેદવારની પસંદગી દરમિયાન અનેક મડાગાંઠ સર્જાઈ હોવાના અહેવાલ હતાં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ પદની આ ચૂંટણી એક વૈચારિક લડાઈ છે. વિપક્ષના તમામ દળ આ મામલે સહમત થયા છે. રેડ્ડી 21 ઑગસ્ટના રોજ ઉમેદવારી નોંધાવશે.
આ પણ વાંચોઃ 'પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા...'PM મોદીએ ફરી એકવાર નેહરૂ પર કર્યા પ્રહાર
એનડીએ દ્વારા સીપી રાધાકૃષ્ણનની પસંદગી કરી
NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ રવિવારે જાહેર કર્યું હતું. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ અંગે જણાવ્યું હતું કે, સી. પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. હાલમાં સી.પી. રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ ફાઈનલ કરવા માટે ભાજપ સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સૌએ સહમતિ આપી હતી.
કોણ છે બી સુદર્શન રેડ્ડી
બીએ, એલએલબીની ડિગ્રી ધરાવતા બી. સુદર્શન રેડ્ડીનો જન્મ 8 જુલાઈ, 1946ના રોજ આંધ્રપ્રદેશમાં થયો હતો. કૃષિ પરિવારમાં જન્મેલા બી. સુદર્શન રેડ્ડીએ 27 ડિસેમ્બર, 1971માં આંધ્રપ્રદેશના બાર કાઉન્સિલ સાથે હૈદરાબાદમાં વકીલ તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી. 2 મે, 1995માં આંધ્રપ્રદેશમાં તેમની કાયમી જજ તરીકે નિમણૂક થઈ હતી. 2005માં તેઓ ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. બાદમાં 12 જાન્યુઆરી, 2007માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી. 8 જુલાઈ, 2011ના રોજ તેઓ નિવૃત્ત થયા હતા.