મોદી સરકારે અચાનક IMFમાંથી કાર્યકારી નિર્દેશકને પદથી હટાવ્યાં, પાક. અંગે બેઠક પહેલા મોટો નિર્ણય
IMF and India news | મોદી સરકારે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) માંથી ભારતના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનને પદ પરથી હટાવી દીધા છે. આ નિર્ણય મોદી કેબિનેટની નિમણૂક સમિતિએ 30 એપ્રિલના આદેશમાં જણાવ્યું છે. આદેશમાં કહ્યું છે કે મંત્રીમંડળની નિમણૂક સમિતિ (ACC) એ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડમાં ભારતના કાર્યકારી નિર્દેશક તરીકે ફરજ બજાવતા ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનની સેવાઓ તાત્કાલિક અસરથી ખતમ કરવામાં આવે છે.
કેમ હટાવ્યાં કૃષ્ણમૂર્તિને?
કેટલાક અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે આઈએમએફના ડેટાસેટ કલેક્શન પ્રોસેસ અને રેટિંગ સિસ્ટમ અંગે સવાલો ઊઠાવાયા હતા. જેના કારણે સંગઠનમાં કૃષ્ણમૂર્તિને લઇને મતભેદો ઊભા થયા હતા. બીજી બાજુ ભારત સરકાર આઈએમએફમાં દેશના પક્ષ અંગે પણ નાખુશ હતી એટલા માટે તાત્કાલિક અસરથી તેમને હટાવી દીધા છે.
6 મહિના અગાઉ જ રાજીનામું લેવાયું
ડૉ. સુબ્રમણ્યન ઓગસ્ટ 2022થી આ પદ માટે નોમિનેટ થયા હતા અને તેમણે 1 નવેમ્બર 2022ના રોજ આ પદભાર સંભાળ્યો હતો. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો હતો જે નવેમ્બર 2025માં ખતમ થવાનો હતો પણ મોદી સરકારને 6 મહિના અગાઉ જ ચોંકાવનારો નિર્ણય લેતા બધાને વિચારતા કરી દીધા છે.
પાકિસ્તાનને ફન્ડિંગ રોકવાનો છે પ્લાન?
IMFની સત્તાવાર વેબસાઇટ અનુસાર, કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ 2 મે સુધી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદ પર હતા. જ્યારે ભારત, બાંગ્લાદેશ, ભૂટાન અને શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કરતી આ બેઠક 3 મેથી ખાલી જાહેર કરવામાં આવી છે. ડૉ. સુબ્રમણ્યમની વિદાય 9 મેના રોજ યોજાનારી મહત્વપૂર્ણ IMF બોર્ડની બેઠકના થોડા દિવસો પહેલા જ થઈ છે, જેમાં પાકિસ્તાનને વધારાની નાણાકીય સહાય પૂરી પાડવાના મુદ્દાની સમીક્ષા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદી ભંડોળ અંગે ચિંતા વ્યક્ત કરીને ભારત આ બેઠકમાં પાકિસ્તાનને વધારાની નાણાકીય સહાયનો વિરોધ કરે તેવી શક્યતા છે. હકીકતમાં, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.