ભારત-બાંગ્લાદેશ સરહદ સીલ, ઘૂસણખોરીની ઘટના બાદ સુરક્ષા વધારાઈ, હિલ્સ અને કછારમાં બે મહિના સુધી રાત્રી કર્ફ્યૂ
India-Bangladesh Border : ભારતે બાંગ્લાદેશને અડીને આવેલી સરહદો સીલ કરી દીધી છે અને મેઘાલય-આસામના સરહદી વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરી દીધો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) 6 મેના રોજ ચાર બાંગ્લાદેશી નાગરિકોને ઘૂસણખોરી કરતાં પકડી પાડ્યા હતા. ત્યારબાદ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ આર. એમ. કુર્બાહ દ્વારા હિલ્સ જિલ્લામાં કર્ફ્યૂ જાહેર કરી દીધો છે. આ ઉપરાંત કછાર જિલ્લામાં પણ કર્ફ્યૂના આદેશ આપી દેવાયા છે. કુર્બાહે કહ્યું છે કે, જિલ્લામાં બે મહિના સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે.
મેઘાલય : હિલ્સ જિલ્લામાં બે મહિના સુધી નાઈટ કર્ફ્યૂ
હિલ્સ જિલ્લાની પાંચ કિલોમીટર સુધીની સરહદ પાસે બે મહિનાનો રાત્રિ કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે 8 મે-2025થી આગામી બે મહિના સુધી રાત્રે 8.00 વાગ્યાથી સવારે 6.00 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. ગયા અઠવાડિયે ચાર બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદે ભારતમાં પ્રવેશતા પકડાયા હતા. જિલ્લા વહીવટીતંત્રે ચેતવણી આપી છે કે, આ કર્ફ્યુનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : લાહોરમાં અમેરિકન નાગરિકોને સુરક્ષિત સ્થળે જતાં રહેવા ટ્રમ્પનો નિર્દેશ
આસામના કછાર જિલ્લામાં પણ કર્ફ્યુ
આસામના કછાર જિલ્લાના ડેપ્યુટી કમિશ્નરે સરહદ પર એક કિલોમીટરની ત્રિજ્યામાં રાત્રિ કર્ફ્યુ લાદવાનો આદેશ જારી કર્યો છે. આ આદેશ સરહદને અડીને આવેલા વિસ્તારો પર લાગુ થશે, ખાસ કરીને જ્યાંથી ઘૂસણખોરી અથવા દાણચોરીની ઘટનાઓ અગાઉ નોંધાઈ હતી. રાત્રિના સમયે માછીમારી, બોટિંગ અને કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ માટે વહીવટીતંત્રની પરવાનગી ફરજિયાત બનાવાઈ છે.
આ પણ વાંચો : છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલવાદીઓને ઠાર માર્યા, 5 જવાન શહીદ