- 'આપણી ટેલેન્ટ ભાષાના બંધનોમાં બંધાઈ જાય છે. તે ગુલામીની માનસિકતાનું પરિણામ છે. આપણને આપણા દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ.'
નવી દિલ્હી, તા. 15 ઓગષ્ટ 2022, સોમવાર
ભારત આજે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર સ્વતંત્રતા દિવસને અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 9મી વખત તિરંગો ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને એક નવો નારો પણ આપ્યો છે.
જય જવાન, જય કિસાન...માં ઉમેરો
વડાપ્રધાને લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતી વખતે જણાવ્યું કે, લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન, જય કિસાનનો નારો આપ્યો હતો અને અટલ બિહારી વાજપેયીએ તેમાં જય વિજ્ઞાન ઉમેર્યું હતું. હવે હું તેમાં જય અનુસંધાન જોડી રહ્યો છું. અમૃતકાળ માટે ઈનોવેશન ખૂબ જ જરૂરી છે.
આત્મનિર્ભર ભારત પર જોર આપ્યું
વડાપ્રધાને 'આત્મનિર્ભર ભારત' પર જોર આપીને તેને 'જન આંદોલન' બનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આત્મનિર્ભર ભારત એ દરેક નાગરિકની, દરેક સરકારની, સમાજના દરેક વિભાગની ફરજ બને છે. આત્મનિર્ભર ભારત એ કોઈ સરકારી એજન્ડા કે સરકારી કાર્યક્રમ નથી. તે સમાજનું જનઆંદોલન છે જેને આપણે આગળ વધારવાનું છે.
આ પણ વાંચોઃ PM મોદીએ 5 સંકલ્પ સાથે આગામી 25 વર્ષની બ્લૂપ્રિન્ટ જણાવી
તેમણે જણાવ્યું કે, ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે, આપણી ટેલેન્ટ ભાષાના બંધનોમાં બંધાઈ જાય છે. તે ગુલામીની માનસિકતાનું પરિણામ છે. આપણને આપણા દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ. આત્મનિર્ભર ભારત એ દરેક નાગરિકની, દરેક સરકારની, સમાજના દરેક એકમની જવાબદારી બને છે.
સંબોધન દરમિયાન ભાવુક થયા વડાપ્રધાન
વડાપ્રધાન મોદી પોતાના સંબોધન દરમિયાન ભાવુક થઈ ગયા હતા અને તેમણે જણાવ્યું કે, દેશ નારીનું અપમાન નહીં સ્વીકારે. આપણે એ લોકો છીએ જે જીવમાં શિવ જોઈએ છીએ. આપણે એ લોકો છીએ જે નરમાં નારાયણ જોઈએ છીએ. આપણે એ લોકો છીએ જે નારીને નારાયણી કહીએ છીએ. આપણે એ લોકો છીએ જે છોડમાં પરમાત્માનો વાસ જુએ છે. આપણે એ લોકો છીએ જે નદીને માતા માને છે અને આપણે એ લોકો છીએ જે દરેક કંકર (કાંકરા)માં શંકર જોઈએ છીએ.


