Independence Day 2023 : દિલ્હીમાં બનાવાયા ઘણા સેલ્ફી પોઈન્ટ, સમારોહમાં સામેલ થશે 1800 મુખ્ય મહેમાન
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર 15મી ઓગસ્ટે 77મો સ્વતંત્ર દિવસ સમારોહ યોજાશે
સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવા દેશવાસીઓમાં થનગનાટ : સંરક્ષણ મંત્રાલય દ્વારા ઓનલાઈન સેલ્ફી સ્પર્ધા પણ યોજાશે
નવી દિલ્હી, તા.13 ઓગસ્ટ-2023, રવિવાર
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર 15મી ઓગસ્ટે 77મો સ્વતંત્રતા દિવસ સમારોહ યોજાશે. અહીં વડાપ્રધાન મોદી ભાષણ આપશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, લાલ કિલ્લા પર ઉજવણીનો ભાગ બનવા દેશભરમાંથી વિવિધ ક્ષેત્રના 1800 લોકોને તેમના જીવનસાથીઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ અપાયું છે. વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને આ ઐતિહાસિક પ્રસંગે રાષ્ટ્રને સંબોધન કરશે.
18000 લોકોને જીવનસાથી સાથે આવવાનું આમંત્રણ અપાયું
ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ અપાયું છે. લગભગ 1800 લોકોને તેમના જીવનસાથીઓ સાથે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરાયા છે. પ્રતિષ્ઠિત મહેમાનોમાં 660થી વધુ વાયબ્રન્ટ ગામોના 400થી વધુ સરપંચોને પણ આમંત્રણ અપાયું છે. નિવેદનમાં જણાવાયું છે કે, વિશેષ અતિથિઓમાં ખેડૂત ઉત્પાદક સંગઠન યોજના સાથે સંકળાયેલા 250 લોકો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ કૌશલ વિકાસ યોજનાના 50-50 સહભાગીઓ, નવા સંસદ ભવન સહિત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા 50 શ્રમ યોગીઓનો સમાવેશ થાય છે.
સેલ્ફી પોઈન્ટ બનાવાયા
મંત્રાલયે કહ્યું કે, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, ઈન્ડિયા ગેટ, વિજય ચોક, નવી દિલ્હી રેલવે સ્ટેશન, પ્રગતિ મેદાન, રાજઘાટ, જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન, દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન, આઈટીઓ મેટ્રો ગેટ, નૌબત ખાના અને શીશ ગંજ ગુરુદ્વારા સહિત 12 સ્થળોએ સેલ્ફી પોઈન્ટ બનાવાયા છે. ઉજવણીના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય દ્વારા 15થી 20 ઓગસ્ટ દરમિયાન માયજીઓવી પોર્ટલ પર ઓનલાઇન સેલ્ફી સ્પર્ધાનું પણ આયોજન કરાશે. તમામ સત્તાવાર આમંત્રણો આમંત્રણ પોર્ટલ દ્વારા ઓનલાઈન મોકલાયા છે. આ પોર્ટલ દ્વારા 17000 ઈ-આમંત્રણ કાર્ડ જારી કરાયા છે. લાલ કિલ્લા પર પહોંચવા પર વડાપ્રધાનનું સ્વાગત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ અને સંરક્ષણ સચિવ ગિરધર અરામ દ્વારા કરાશે.