Get The App

આવકવેરા સુધારા બિલને માત્ર ત્રણ મિનિટમાં લોકસભાની મંજૂરી

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
આવકવેરા સુધારા બિલને માત્ર ત્રણ મિનિટમાં લોકસભાની મંજૂરી 1 - image


- અંતે 63 વર્ષ જૂનો કાયદો બદલી

- સુધારેલા આવકવેરા હેઠળ રિફંડની રકમ પર દંડ કરવાની જોગવાઈને પાછી ખેંચી વિવાદને સમેટી લેવામાં આવ્યો 

અમદાવાદ : લોકસભામાં આજે રજૂ કરવામાં આવેલું ઇન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૫ કોઈપણ ચર્ચા કર્યા વિના માત્ર ત્રણ મિનિટમાં પસાર કરી દેવામાં આવ્યું છે. નવા સુધારેલા કાયદાને પરિણામે નિર્ધારિત સમય મર્યાદા કરતાં આવકવેરાનું રિટર્ન વિલંબથી ફાઈલ કરનારાઓને રિફંડ આપવામાં આવશે. તેના પર કોઈ જ પેનલ્ટી લેવામાં આવશે નહિ. આ બિલ ટીડીએસ, એક્ઝમ્પ્શન અને અન્ય અનુપાલનની જોગવાઈઓને સરળ બનાવે છે. સંસદમાં અત્યારે બિહારમાં મતદાર યાદીમાં સુધારણા અને વોટ ચોરી મુદ્દે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે તેવા સમયે આ બિલ કોઈ ચર્ચા વિના પસાર કરી દેવાયું છે. હવે રાજ્યસભામાંથી આ ખરડો પસાર કરીને રાષ્ટ્રપતિની સહી માટે મોકલી આપવામાં આવશે.  

નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે સંસદીય સમિતિની ભલામણોને સામેલ કરીને નવું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. નવા સુધારેલા આવકવેરા ધારા ૨૦૨૫માં ટીડીએસ-કરકપાતમાં માફી આપવાની અને તેને લગતા નિયમોનું પાલન કરવાની લગતી જરિયાતને સરળ બનાવી લીધી હોવાથી વ્યક્તિગત કરદાતા માટ હવે દંડ વિના રિફંડ મેળવવાની કામગીરી વધુ સરળ બની જશે. વેરા વર્ષ દરમિયાન કરહદાતાને સીધો કે આડકતરો નફા કે લાભ થાય તો તેવા સંજોગોમાં તેની જૂની ખોટ કેરી ફોરવર્ડ કરવાની તક આપવામાં આવી છે. નવા આવકવેરા ધારામાં કરવામાં આવેલી જોગવાઈને પરિણામે આવકનેરા ધારાની કલમમાં ૫૦ ટકાનો ઘટાડો થઈ જશે. આવકવેરા ધારાની કલમોમાં મળીને ૨૮૫ સુધારાઓ ખરડા મારફતે સમાવી લેવામાં આવ્યા છે. સિલેક્ટ કમિટીની તમામ ૨૮૫ ભલામણોનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. કાયદાના અર્થઘટનમાં ગૂચવાડો ન થાય તેટલો સરળ બનાવી દેવામાં આવ્યો છે.  સંસદમાં ૧૩મી ફેબુ્રઆરીએ રજૂ કરેલા બિલના માધ્યમથી વિલંબથી રિટર્ન ફાઈલ બદલ રિફંડ ન આપવાનું એને પેનલ્ટી લેવાનું નક્કી કરાયું હતું. પરંતુ, આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા બિલના માધ્યમથી રિફંડ ન આપવાની જોગવાઈને પાછી ખેંચી લેવામાં આવી છે.  વિલંબથી રિટર્ન ફાઈલ કરનારાઓને પણ રીફંડ મળશે. 

નવા સુધારેલા આવકવેરા ધારા ૨૦૨૫માં કંપનીઓ વચ્ચે ડિવિડંડનું વિતરણ કરવાને લગતી કલમ ૮૦ (એમ) પણ સુધારી લેવામાં આવી છે. એક કંપની અન્ય કંપનીઓ ડિવિડંડની વહેંચણી કરે ત્યારે કલમ ૧૧૫બીએએની જોગવાઈનો લાભ આપવામાં આવતો હતો. ડ્રાફ્ટ બિલમાં કંપનીઓ વચ્ચે ડિવિડંડની થતી વહેંચણીને લગતી કલમનો ઉલ્લેખ કરવાનો જ રહી ગયો હતો.  આ જોગવાઈ નવા સુધારેલા ખરડાના માધ્યમથી અમલમાં લાવી દેવામાં આવી છે. કંપનીઓને ડિવિડન્ડની વહેંચણી પર ઘટાડેલા કોર્પોરેટ ટેક્સના દરનો લાભ અપાશે.

આવકવેરાના નિયમો કે કલમોનો ભંગ કરવા બદલ અગાઉના બિલમાં બહુ જ મોટી રકમનો દંડ કરવામાં આવતો હતો. હવે આ દંડની રકમ ખાસ્સી ઓછી કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કરદાતા ડયૂ ડેટ પછી તેનું રિટર્ન ફાઈલ કરે તો તેને દંડ કર્યા વિના જ રિફંડ આપવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે. સૌ પ્રથમ તો કોઈ વ્યક્તિ ફ્લેટની ખરીદી કરવા માટે બેન્કમાંથી લોનનો ઉપાડ કરે છે. તે પ્રોપર્ટીનું બાંધકામ થાય તે પહેલા જ તેના પર વ્યાજ ચૂકવે છે. વ્યાજની આ રકમ કરદાતાને આવકમાંથી બાદ આપવામાં આવતી નથી. માત્ર પોતાની માલિકીની મિલકતમાં જ લોનના વ્યાજની ચૂકવણીની રકમ આવકમાંથી બાદ આપવાના નિર્ણયને માન્ય કરી દેવામાં આવ્યો છે. 

નવા સુધારેલા આવકવેરા ધારામાં શૂન્ય વેરાની કપાતનું પ્રમાણપત્ર આપી શકાય તેવી જોગવાઈ દાખલ કરી દીધી છે. અજાણતા જ કરવામાં આવેલા નિયમ બંગ માટે અધિકારીને યોગ્ય લાગે તો તે માફ કરવાની સત્તા આપી દેવામાં આવી છે. 

વિપક્ષના હોબાળા વચ્ચે સરકારે પેન્ડિંગ બિલો પસાર કર્યા

એક જ દિવસમાં લોકસભામાં ચાર અને રાજ્યસભામાં પાંચ બિલો પસાર

- રાજ્યસભામાં પસાર કરવામાં આવેલા બિલોમાં નેશનલ સ્પોર્ટ્સ અને નેશનલ અન્ટી ડોપિંગ બિલ સામેલ

નવી દિલ્હી : સંસદના વર્તમાન ચોમાસુ સત્રના ચોથા હપ્તાની શરૂઆત ફરી એક વખત હોબાળો સાથે થઇ હતી. જો કે સત્તાપક્ષ પેન્ડિંગ બિલો પસાર કરાવવાના ઇરાદા સાથે આવ્યું હતું. હોબાળાની વચ્ચે સોમવારે લોકસભામાં ચાર અને રાજ્યસભામાં પાંચ બિલો પસાર કરવામાં આવ્યા હતાં. 

સંસદના બંને ગૃહોમાં એક દિવસમાં કુલ ૯ બિલો પસાર કરવામાં આવ્યા હતાં.  કેટલાક બિલ ચર્ચા વગર તો કેટલાક બિલ સંક્ષિપ્ત ચર્ચા સાથે પસાર કરવામાં આવ્યા હતાં. 

લોકસભામાં પસાર કરવામાં આવેલા બિલોમાં નેશનલ સ્પોર્ટસ બિલ, નેશનલ એન્ટી ડોપિંગ બિલ, ઇનક્મ ટેક્સ બિલ અને ટેક્સેશન લો (એમેન્ડમેન્ટ) બિલનો સમાવેશ થાય છે. 

રાજ્યસભામાં પસાર કરવામાં આવેલા બિલોમાં મણિપુર બજેટ ૨૦૨૫-૨૬, મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૫, મણિપુર વિનિયોગ (નંબર ૨) બિલ, ૨૦૨૫, મર્ચન્ટ શિપિંગ બિલ, ગોવા વિધાનસભામાં અનુસુચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવાનું બિલનો સમાવેશ થાય છે. 

લોકસભામાં ઇન્કમ ટેક્સ બિલ અને ટેક્સેશન લો (એમેન્ડમેન્ટ) બિલ ચર્ચા વગર જ પસાર કરવામાં આવ્યા હતાં. નેશનલ સ્પોર્ટસ બિલ અને નેશનલ એન્ટી ડોપિંગ બિલ  સંક્ષિપ્ત ચર્ચા પછી પસાર કરવામાં આવ્યા હતાં. 

ેરાજ્યસભામાં જોરદાર હોબાળા વચ્ચે નાણા પ્રધાન નિર્મલા સિતારમને મણિપુર બજેટ ૨૦૨૫-૨૬, મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૫, મણિપુર વિનિયોગ (નંબર ૨) બિલ, ૨૦૨૫ અંગે થયેલ સંક્ષિપ્ત ચર્ચાનો જવાબ આપ્યો હતો અને હોબાળાની વચ્ચે આ ત્રણ બિલ ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યા હતા.

Tags :