આગામી સમયમાં જેટલો પ્રવાસ તેટલો જ ટોલ : ગડકરી
ગડકરીએ ઇન્ફ્રા.માં પાંચ વર્ષનો રોડમેપ આપ્યો
આગામી ત્રણ મહિનામાં જીપીએસ કે ઇલેકટ્રોનિક પ્રણાલિ આધારિત ટોલ શરુ
નવી દિલ્હી: ભારતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધારે ઉત્કૃષ્ટ બનાવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ આગામી પાંચ વર્ષનો રોડમેપ રજૂ કર્યો હતો.
તેમણે આ સમયગાળા દરમિયાન ટોલટેક્સ અંગે જાહેરાત કરી હતી કે હવે જેટલો પ્રવાસ ખેડશો એટલો જ ટોલટેક્સ આપવો પડશે. આગામી ત્રણ મહિનામાં જીપીએસ અને સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમનો પ્રથમ તબક્કો શરૂ થશે. તેના પછી તેને સમગ્ર દેશમાં અમલી બનાવવામાં આવશે.
ગડકરીએ જણાવ્યું હતું કે આ ઉપરાંત મુખ્ય તકલીફ પ્રદૂષણની છે અને તેમા જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ મુખ્ય છે. અમારુ પહેલું ધ્યાન તેને ઘટાડવાનું અને પછી દૂર કરવાનું હશે. દિલ્હીની વાત કરીએ તો પ્રદૂષણ દૂર કરવા ઇલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે. ઇલેક્ટ્રિક ટેક્સી ચલાવાશે. આ ઉપરાંત ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક ટેક્સી પણ ચલાવાશે. જાહેર પરિવહનના મોટાભાગના વાહનોને ઇલેક્ટ્રિક કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે હું યુગોસ્લાવિયા ગયો હતો મેં ત્યો ટ્રોલી બસ જોઈ. આ બસ ત્રણ બસને જોડીને બનાવવામાં આવી હતી. તેમા એક સાથે ૧૩૨ મુસાફરો બેસી શકતા હતા.
આ પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ નાગપુરમાં શરુ થવાનો છે.