ગુજરાત તરફ આગળ વધી રહેલા વાયુ વાવાઝોડાનો સામનો કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર સરકાર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. NDRF, SDRFની કુલ 42 ટીમો, આર્મીની 11 કોલમ, BSFની 2 કંપની, SRPની 12 કંપની તથા 300 મરીન કમાન્ડોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ભારતમાં 1967થી અત્યાર સુધી 121 સાયકલોન આવ્યા છે. જેમાં ગત 2018ના વર્ષમાં સૌથી વધુ નાના મોટા 7 સાત સાયકલોન ત્રાટકયા હતા.
6 ઓકટોબરના રોજ તિતલી નામનું વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાની અસરથી ઓડિશામાં 77 અને આંધ્રપ્રદેશમાં 8 લોકોના મોત થયા હતા. બંને રાજયમાં અંદાજે 7 હજાર કરોડનું નુકસાન થયું હતું. ત્યાર પછી 10 નવેમ્બરના રોજ ગાજા નામનું સાયકલોન આવ્યું જે 52 લોકોને ભરખી ગયું હતું. 13 ડિસેમ્બરના રોજ ચક્રવાતી તોફાન ફેથાઇ આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારમાં કાળો કેર વરતાવતા 8 ના મોત અને 300 કરોડનું નુકસાન થયું હતું.
વિશ્વમાં હિંદમહાસાગરમાં સૌથી ઓછા 7 ટકા વાવાઝોડા આવે છે

વિશ્વમાં જેટલા પણ ચક્રવાતી તોફાનો આવે છે જેમાં હિંદ મહાસાગરમાં માત્ર 7 ટકા જેટલા હોય છે. હિંદ મહાસાગર પર આવતા વાવાઝોડાની સૌથી વધુ અસર ભારતના પશ્ચીમ બંગાળ રાજય અને પાડોશી બાંગ્લાદેશને થાય છે. ચક્રવાતને દરિયામાં ઉછળતા મોજા વધારે ખતરનાક બનાવે છે. જો કે ભારતનો પશ્ચીમ કાંઠો વાવાઝોડા ઉદ્ભવવાની બાબતે ઘણો જ શાંત છે.
હવામાનખાતાની માહિતી મુજબ ચક્રવાતી તોફાન બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વમાં બને છે અથવા તો ઉત્તર પશ્ચીમ પ્રશાંત સાગરમાં ઉદભવતા ચક્વાતનો અંશ હોય છે જે ક્રમશ હિંદ મહાસાગર તરફ આગળ વધે છે. ઉત્તર પશ્ચીમ પ્રશાંતસાગરમાંથી આવતા ચક્રવાત ભારે હોય છે તેની અસર હેઠળ બંગાળની ખાડીને પણ થાય છે.
અરબસાગર પરના ચક્રવાત દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાંથી બને છે અથવા તો તે બંગાળની ખાડીમાં ઉદ્ભવતા ચક્રવાતોનો જ એક ભાગ હોય છે. કેટલાક ઓછું દબાણ ધરાવતા ચક્રવાતી તોફાન હોય છે જેને નામ નહી પરંતુ નંબર આપવામાં આવે છે. 26 જુલાઇ 2018ના રોજ બીઓબી 03 નામના ચક્રવાતથી તોફાનથી ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં ભારે વરસાદ પડયો હતો.
સૌથી વધુ 226 મીમી વરસાદ મેરઠમાં નોંધાયો હતો જયારે ચક્રવાતની અસરથી 69 લોકોના મોત થયા હતા. ત્યાર પછી ઓગસ્ટ માસમાં બીઓબી 05 અને સપ્ટેમ્બરમાં બીઓબી 6 નામનું ચક્રવાત સર્જાયું હતું.
વાવાઝોડાથી દરિયામાં ઉંચા મોજા ઉછળવાએ સૌથી ખતરનાક હોય છે
હવામાનશાસ્ત્રીઓની જાણકારી મુજબ બંગાળની ખાડી પર આવતા ચક્રવાતી તોફાનો જમીન સાથે ટકરાઇને નબળા પડી જાય છે આથી તે અરબસાગર સુધી ભાગ્યે જ પહોંચે છે. આથી જ તો ભારતને લાગે વળગે છે ત્યાં સુધી બંગાળની ખાડી કરતા અરબસાગર વાવાઝોડાની દ્રષ્ટ્રીએ વધારે શાંત છે.
વાવાઝોડાના કારણે ત્રણ પરીણામો આવી શકે છે. ભારે વરસાદ થવો, અતિ ઝડપે પવન ફૂંકાવો અને દરિયામાં ઉંચા મોજા ઉછળવા. આ ત્રણેયમાં સૌથી ખતરનાક દરિયામાં ઉઠતા ઉંચા મોજા છે. મોજા ઉછળવાથી કાંઠા વિસ્તારોમાં દરિયાના પાણી ઘૂસી જવાથી જાન અને માલની ભારે તારાજી સર્જાય છે.
જોકે, એવું માનવામાં આવે છે કે ભારતના પશ્ચીમી તટ પર વાવાઝોડાના લીધે દરિયાના મોજા અસામાન્ય રીતે ઉછળવાની શકયતા ઓછી રહે છે. ગુજરાત પણ ભારતના પશ્ચીમ કાંઠા પર આવેલું રાજય છે. દેશના પૂર્વ કાંઠા વિસ્તાર તરફ તામિલનાડુ, ઓડિશા,આંધ્રપ્રદેશ અને પશ્ચીમ બંગાળ તરફ આગળ વધીએ તેમ મોજા ઉછળવાનો ભય વધારે રહે છે.
છેલ્લા 12 વર્ષ દરમિયાન ત્રાટકેલા શકિતશાળી વાવાઝોડા
| નામ | વર્ષ | સ્થાન |
| નિશા | 2008 | તામિલનાડુનો કાંઠા વિસ્તાર |
| થાણે | 2011 | તામિલનાડુ અને પોંડિચેરી |
| નિલમ | 2012 | તામિલનાડું કાંઠા વિસ્તાર |
| મહાસેન | 2013 | તામિલનાડુ અને કેરલ |
| ફેલીન | 2013 | ઓડિશા અને આંધ્રપ્રદેશ |
| હુડહુડ | 2014 | ઓડિશા અને આંધ્રપ્રદેશ |
| તિતલી | 2018 | ઓડિશા અને આંધ્રપ્રદેશ |
| ગાજા | 2018 | તામિલનાડુ અને કેરલ |
| ફૉની | 2019 | ઓડિશા કાંઠા વિસ્તાર |


