Get The App

હરિયાણામાં એજન્ટે અમેરિકાનું કહી યુવકને છેતરીને દુબઇ મોકલી દીધો

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
હરિયાણામાં એજન્ટે અમેરિકાનું કહી યુવકને છેતરીને દુબઇ મોકલી દીધો 1 - image


પિતાએ ટ્રેકટર-ટ્રોલી વેચી નાણા ભેગા કર્યા હતાં

પંચાયતની દખલગીરી પછી રૂ. ૧૦ લાખ પરત મળ્યા, હજુ રૂ. ૧૯.૫૦ લાખ બાકી

અંબાલા: હરિયાણાના ભાનોખેડી ગામના એક ખેડૂતે પોતાના દીકરાને અમેરિકા મોકલવા માટે પોતાનું ટ્રેકટર-ટ્રોલી વેચી નાણા એકત્ર કર્યા હતાં. જો કે એજન્ટે લાખો રૂપિયા લીધા પછી પણ તેમના દીકરાને અમેરિકા મોકલવાને બદલે તેને દુબઇ મોકલી દીધો હતો. 

પોલીસે બકનોર ગામનાં સરપંચ કપ્તાન સિંહની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ભાનોખેડીના રણજીત સિંહે જણાવ્યું હતું કે ફેબુ્રઆરી ૨૦૨૧માં તે પોતાની દુકાનમાં બેઠા હતાં ત્યારે કપ્તાન સિંહ તેમની પાસે આવ્યા હતાં અને પૂછ્યું હતું કે તેમના કેટલા બાળકો છે. 

કપ્તાન સિંહે જણાવ્યું હતું કે તે યુવાનોને વિદેશ મોકલે છે. ત્યારબાદ રણજીત સિંહ અને તેમના સંબધી જસવિંદ્ર સિંહ કુલ ૪૫ લાખ રૂપિયામાં પોતાના દીકરાઓને અમેરિકા મોકલવા તૈયાર થયા હતાં. 

રણજીતે પાંચ માર્ચ, ૨૦૨૧થી લઇને ૨૦ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી કુલ ૧૨ લાખ ૫૦ હજાર રૂપિયા કપ્તાન સિંહને આપ્યા હતાં. ૧૨ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ રણજીત સિંહના દીકરા જસમીત સિંહને દિલ્હી એરપોર્ટથી દુબઇ મોકલવામાં આવ્યો હતો. 

જ્યાં તેને ત્રણ  મહિના રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ ૧૫ લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતાં. રણજીતે ફરીથી નાણા આપ્યા હતાં. આમ છતાં તેને અમેરિકા મોકલવામાં આવ્યો ન હતો અને નાણાં પરત પણ આપ્યા ન હતાં. 

પંચાયતમાં વાતચીત પછી કપ્તાન સિંહે ૧૦ લાખ રૂપિયા પરત કર્યા હતાં જો કે હજુ પણ ૧૯ લાખ ૫૦ હજાર રૂપિયા બાકી છે.