ઓગસ્ટમાં જીએસટી કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.75 લાખ કરોડને પાર
જીએસટીની આવકથી સરકારની તિજોરી છલકાઇ
જીએસટી કલેક્શન ઓગસ્ટ, ૨૦૨૩માં રૂ. ૧.૫૯ લાખ કરોડ, જુલાઇ, ૨૦૨૪માં રૂ. ૧.૮૨ લાખ કરોડ હતું
નવી દિલ્હી: ઓગસ્ટમાં ઘરેલુ વપરાશ વધારે રહેતા કુલ જીએસટી કલેક્શન ૧૦ ટકા વધીને ૧.૭૫ લાખ કરોડ રૂપિયા રહ્યું છે તેમ આજે જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની આવક ૧.૫૯ લાખ કરોડ રૂપિયા હતી. ચાલુ વર્ષે જુલાઇમાં જીએસટીની આવક ૧.૮૨ લાખ કરોડ રૂપિયા હતી.
ઓગસ્ટ, ૨૦૨૪માં જીએસટીની ડોમેસ્ટિક આવક ૯.૨ ટકા વધીને ૧.૨૫ લાખ કરોડ રૂપિયા રહી હતી.
વસ્તુઓની આયાતથી જીએસટીની આવક ૧૨.૧ ટકા વધીને ૪૯,૯૭૬ કરોડ રૂપિયા રહી હતી.
ઓગસ્ટ, ૨૦૨૪માં ૨૪,૪૬૦ કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવવામાં આવ્યું હતું. જે ગયા વર્ષે સમાન ગાળામાં ચૂકવવાીમાં આવેલા રિફન્ડ કરતા ૩૮ ટકા વધારે છે. રિફન્ડની રકમ એડજસ્ટ કર્યા પછી જીએસટીની ચોખ્ખી આવક ૬.૫ ટકા વધીને ૧.૫ લાખ કરોડ રૂપિયા રહી છે.
ઓગસ્ટ, ૨૦૨૪માં કુલ જીએસટી કલેક્શન ૧,૭૪,૯૬૨ કરોડ રૂપિયા રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ, ૨૦૨૪માં કુલ જીએસટી કલેક્શન ૨.૧૦ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જે અત્યાર સુધીનું સૌથી વધુ જીએસટી કલેક્શન છે.
ઉલ્લેખનીય છે કે ૯ સપ્ટેમ્બરના રોજ નાણા પ્રધાન નિર્મલા સિતારમનના નેતૃત્ત્વમાં જીએસટી કાઉન્સિલની બેઠક મળવાની છે. આ બેઠકમાં કેટલીક વસ્તુઓ પરના જીએસટીના દરમાં ઘટાડા અંગે ચર્ચા થવાની સંભાવના છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ઓગસ્ટ, ૨૦૨૪ના કુલ જીએસટી કલેક્શન ૧,૭૪,૯૬૨ કરોડ રૂપિયામાં સીજીએસટી ૩૯,૫૮૬ કરોડ રૂપિયા અને એસજીએસટી ૩૩,૫૪૮ કરોડ રૂપિયા રહ્યું છે.