ઇસ 1959માં ભારતના આ જિલ્લામાં પંચાયતી રાજનો પ્રથમવાર અમલ થયેલો
૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના પછી પંચાયતી રાજ અમલમાં આવ્યું
૨૪ એપ્રિલ ૧૯૯૩માં પંચાયતીરાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો મળ્યો
નવી દિલ્હી, 2 માર્ચ, 2021, મંગળવાર
ગુજરાતમાં સ્થાનિક લોકલ બોડી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરીણામો આવી રહયા છે જેમાં ભાજપને ભારે સફળતા મળી છે અને કોંગ્રેસનો રકાસ થયો છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધીની આ વ્યવસ્થા લોકશાહી શાસનના આધાર સ્તંભ સમાન છે. ૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના થયા પછી સરકારી ધોરણે પંચાયતી રાજ અમલમાં મુકવામાં આવ્યું હતું. આથી આ પંચાયતી રાજની વ્યવસ્થાના કારણે સંસદથી ચાલતો વહિવટ અંતરિયાળ ગ્રામિણ વિસ્તારો સુધી પહોંચી રહયો છે. જો કે શાસનમાં ગ્રામીણ વિસ્તારોને પણ જોડવા માટે ભાગીદાર બનાવવાની પરંપરાગત વ્યવસ્થા ખૂબજ પ્રાચીન છે. પંચાયત એ માત્ર ભારત જ નહી દક્ષિણ એશિયાના દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાની પણ આગવી ઓળખ છે.
૧૯૪૭માં દેશ આઝાદ થયા પછી જવાહરલાલ નેહરુએ લોકશાહી દેશના વહિવટના વિક્ન્દ્રીકરણ માટે પંચાયતી રાજનો મહત્વ આપ્યું હતું. ભારતમાં ઇસ ૧૯૫૯માં ૨ ઓકટોબરના રોજ પ્રથમ પંચાયતી રાજ સિસ્ટમનો અમલ રાજસ્થાનના નાગોર જિલ્લામાં થયો હતો. ઇસ ૧૯૫૭માં બળવંતરાય મહેતા સમિતિએ પંચાયતી રાજ વ્યવસ્થા અંગે કરેલી મોટા ભાગની ભલામણોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે રાજસ્થાન બાદ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પંચાયતીરાજનો ક્રમશ અમલ શરુ થયો હતો.
પંચાયતી રાજમાં સુધારણા લાવીને તેને વધુ મજબુત બનાવવા માટે સમયાંતરે નિષ્ણાતોની સમિતિઓ પણ બનતી રહેલી જે સરકારમાં પોતાનો ભલામણ રીપોર્ટ આપ્યા હતા. ૨૪ એપ્રિલ ૧૯૯૩માં બંધારણમાં ૭૩માં સુધારા અંર્તગત પંચાયતીરાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો. આથી પંચાયતી રાજની સિસ્ટમમાં લોકોની ભાગાદારી વધશે અને ગાંધીજીની ગ્રામ સ્વરાજની કલ્પના સાકાર થશે એવી આશા રાખવામાં આવી હતી પરંતુ પંચાયતી રાજને બંધારણીય સત્તાઓ છતાં અંતરીયાળ ગ્રામીણ વિસ્તારો અને તાલુંકાઓનું ચિત્ર ખાસ બદલાયું નથી. પક્ષા પક્ષી અને વધતા જતા જ્ઞાતિવાદના કારણે પંચાયતી રાજની સિસ્ટમનો જેટલો જોઇએ તેટલો લાભ તમામ લોકો સુધી પહોંચતો નથી.