Get The App

જીવિત પત્નીની હત્યાના કેસમાં દોઢ વર્ષ જેલમાં કેદ રહ્યો પતિ, હવે પોલીસ પાસેથી 5 કરોડ વળતર માગ્યું

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
જીવિત પત્નીની હત્યાના કેસમાં દોઢ વર્ષ જેલમાં કેદ રહ્યો પતિ, હવે પોલીસ પાસેથી 5 કરોડ વળતર માગ્યું 1 - image


Karnataka News : કર્ણાટકમાં પત્નીની હત્યા કરવાના જૂઠ્ઠાં આરોપો હેઠળ એક પતિને આશરે દોઢ વર્ષ સુધી જેલમાં રહેવુ પડયું હતું, જોકે બાદમાં ખુલાસો થયો તેની પત્ની તો ખરેખર જીવિત છે. જેને પગલે હવે પતિએ એક જૂઠ્ઠાં કેસમાં બે વર્ષ સુધી જેલમાં રાખવા અને જુઠો કેસ બનાવવા બદલ પાંચ કરોડ રૂપિયાનું વળતર આપવા અને જવાબદાર પોલીસકર્મીઓ સામે ક્રિમિનલ કેસ ચલાવવા માગ કરી છે, આ માટે તેણે કર્ણાટક હાઇકોર્ટમાં અરજી પણ કરી છે. 

વર્ષ 2021માં કર્ણાટકના કુશલનગર તાલુકમાં બસવનહલ્લી ગામમાં રહેતા કુરૂબારા સુરેશને પત્નીની હત્યાના આરોપો હેઠળ પોલીસ પકડી ગઇ હતી, જે બાદ તેને જેલ મોકલી દેવાયો હતો. સુરેશની પત્ની મલ્લિગે અચાનક ગૂમ થઇ ગઇ હતી જેને પગલે તેના પિતાએ જમાઇ પર હત્યાનો આરોપ લગાવતી ફરિયાદ કરી હતી. આ દરમિયાન નજીકના જિલ્લામાં એક હાડપિંજર મળ્યું હતું, પોલીસને એવી શંકા હતી કે આ હાડપિંજર સુરેશની પત્નીનું છે, પોલીસે બાદમાં દબાણ કરીને સુરેશ અને તેની માતાને આ હાડપિંજર ગુમ પત્નીનું હોવાની કબૂલાત કરાવી. પરંતુ ડીએનએ ટેસ્ટ નહોતો કરાવ્યો. બાદમાં 18 મહિના સુધી સુરેશને કસ્ટડીમાં રખાયો હતો, જોકે કોર્ટે હાડપિંજરના ડીએનએ ટેસ્ટનો આદેશ આપ્યો તો તે સુરેશની પત્ની ના હોવાનું સામે આવ્યું. બાદમાં સુરેશને જામીન પર છોડાયો હતો. 

એપ્રિલ 2025માં સુરેશની પત્ની એક રેસ્ટોરન્ટમાં ભોજન કરતી જોવા મળી હતી, સુરેશના મિત્રએ તેને ઓળખી લીધી હતી. બાદમાં પોલીસને જાણ કરાઇ અને તેને કસ્ટડીમાં લઇને કોર્ટમાં રજૂ કરાઇ હતી. અચાનક કોર્ટમાં પત્ની હાજર થતા સૌ કોઇ ચોંકી ઉઠયા હતા અને પોલીસની તપાસ કાર્યવાહી પર સવાલો ઉઠયા હતા.

મૈસુરની કોર્ટે બાદમાં સુરેશને સન્માન સાથે છોડી મુક્યો હતો સાથે જ ઇન્સ્પેક્ટર પ્રકાશ બીજી સામે કાયદેસર કાર્યવાહીની ભલામણ કરી હતી અને સુરેશને એક લાખનું વળતર આપવા સરકારને આદેશ આપ્યો હતો. જોકે એક લાખના વળતરથી સંતોષ ના થતા સુરેશે હવે હાઇકોર્ટમાં અપીલ કરી છે અને પાંચ કરોડ રૂપિયાના વળતરની માગણી કરી છે જેને પગલે આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે.  સુરેશે હાઇકોર્ટમાં જે અરજી કરી છે તેમાં માગ કરી છે કે ટ્રાયલ કોર્ટના ચુકાદામાં મને આરોપી બતાવાયો છે જેને સુધારીને પીડિત કરવામાં આવે, આ કેસમાં મારી કાર્યવાહી કરનારા પાંચ પોલીસકર્મી સામે ગુનાહિત પગલા લેવામાં આવે, મને પાંચ કરોડનું વળતર આપવામાં આવે. હાલ પોલીસ સુરેશની પત્ની ત્રણ વર્ષથી ક્યાં હતી તેની તપાસ કરી રહી છે.

Tags :