રોડ અકસ્માત પીડિતને દોઢ લાખ સુધી મફત સારવાર યોજનાનો અમલ શરૂ
- સુપ્રીમના આકરા આદેશ બાદ કેન્દ્રએ નોટિફિકેશન બહાર પાડયું
- અકસ્માત થયાના સાત દિવસ સુધી આ યોજનાનો લાભ મળશે, સરકાર માન્ય હોસ્પિટલોની યાદી બહાર પાડશે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અંતે કેન્દ્ર સરકારે દેશભરમાં રોડ અકસ્માત પીડિતોની તાત્કાલીક સારવાર માટે કેશલેસ યોજનાનો અમલ શરૂ કર્યો હતો. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા ગેઝેટ નોટિફિકેશન જાહેર કરાયું હતું, જે મુજબ ૫ મે, ૨૦૨૫ના રોજ આ યોજનાનો દેશભરમાં અમલ શરૂ કરી દેવાયો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. નોટિફિકેશન મુજબ રોડ અકસ્માત પીડિતને શરૂઆતમાં જ તાત્કાલીક અસરથી દોઢ લાખ રૂપિયાની કેશલેસ એટલે કે મફત સારવાર મળી રહેશે, સરકારે સારવાર માટે માન્ય કરેલી હોસ્પિટલમાં આ યોજનાનો લાભ અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી મળશે.
સરકારે આ યોજનાને કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ સ્કીમ ૨૦૨૫ નામ આપ્યું છે. આયુષ્યમાન કાર્ડ યોજનાની જેમ સરકારની આ યોજનાને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ યોજના મુજબ અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી ઘાયલ વ્યક્તિ દીઠ આશરે ૧.૫૦ લાખ રૂપિયાની કેશલેસ સારવાર મળશે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત સમયે જ યોગ્ય સારવાર અપાવીને ઘાયલોનો જીવ બચાવવાનો છે. આ યોજનાનો લાભ દેશના તમામ નાગરિકોને મળશે. સરકાર સારવારના ખર્ચમાં દોઢ લાખ રૂપિયાનો ખર્ચ પોતે ઉઠાવશે.
તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજનાના અમલ માટે તેમજ તેના પર દેખરેખ રાખવા નોડલ એજન્સીની રચના કરવામાં આવશે. આ નોડલ એજન્સી નેશનલ હેલ્થ ઓથોરિટી સાથે જોડાઇને પોર્ટલ પર વેબ પોર્ટલ પર સારવાર માટે માન્ય હોસ્પિટલોની યાદી જાહેર કરાવશે. આ ઉપરાંત પીડિતોની સારવાર અને હોસ્પિટલોને ચૂકવવામાં આવનારી રકમ પર પણ નજર રાખશે. આ ઉપરાંત એક સ્ટીયરિંગ કમિટી પણ રચાશે જે યોજના પર દેખરેખ રાખશે. આ કમિટીની અધ્યક્ષતા રોડ સચિવ કરશે જ્યારે એનએચએ સીઇઓ સભ્ય રહેશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય, નાણા, ગૃહ અને રોડ પર્યટન તેમજ હાઇવે મંત્રાલયોના સચિવોને પણ સામેલ કરાશે. જો કોઇનું અકસ્માત થાય તો તેને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે, હોસ્પિટલમાં દાખલ થતા જ તેની સારવાર શરૂ કરવી પડશે, જો હોસ્પિટલ સારવાર કરી શકે તેવી સ્થિતિમાં ના હોય તો અન્ય હોસ્પિટલમાં દર્દીને મોકલવાની જવાબદારી તે જ હોસ્પિટલની રહેશે, જેમાં એમ્બ્યૂલંસની વ્યવસ્થા કરી આપવી વગેરેનો સમાવેશ થાય છે. સારવાર બાદ હોસ્પિટલ ખર્ચનો દાવો કરી શકશે. બાદમાં એજન્સી તમામ માહિતીની ચકાસણી કરશે જે બાદ નાણા ૧૦ દિવસમાં ચુકવી દેવાશે. જો સરકાર દ્વારા આ પ્રકારના કેસોમાં સારવાર માટે મંજૂર કરાયેલી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાના બદલે સ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ય કોઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય તો ત્યાં માત્ર સ્ટેબલાઇઝેશન (સ્થિતિમાં પ્રાથમિક સુધારા માટેની સારવાર) જ આ યોજના હેઠળ થશે તેમાં પણ કેટલીક ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
સુપ્રીમ કોર્ટે અગાઉ કેન્દ્ર સરકારને આકરા સવાલ કર્યા હતા અને કહ્યું હતું કે સરકાર પાસે અકસ્માત સમયે ઘાયલોનો જીવ બચાવવા માટે કોઇ યોજના જ નથી, સુપ્રીમે કહ્યું હતું કે લોકો અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે, ઘટના સમયનો પ્રથમ એક કલાક એટલે કે ગોલ્ડન સમય મહત્વપૂર્ણ છે. આ સમયે લોકોને સારવાર મળી રહે તે માટેની જોગવાઇ કાયદામાં છે છતા સરકાર દ્વારા તેનો અમલ નથી થયો. સુપ્રીમ કોર્ટમાં બાદમાં કેન્દ્રએ કહ્યું હતું કે યોજનાનો ડ્રાફ્ટ તૈયાર છે ટૂંક સમયમાં તેના અમલ માટે નોટિફિકેશન બહાર પડાશે. અંતે હવે આ યોજના અમલમાં આવી ગઇ છે. જેને પગલે દેશભરમાં કોઇ પણ રોડ પર કોઇ પણ નાગરિકનો મોટર વાહન મારફતે અકસ્માત થાય તો તેને આ યોજનાનો લાભ અપાશે.